🎯 ધોરણ ૪ PARAKH (પરખ) પ્રશ્નબેંક: પાયાનું ભાષાકીય જ્ઞાન
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ ડિજિટલ મંચ પર આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ગુજરાત સરકારે PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ અમલમાં મૂક્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની ગોખણપટ્ટી છોડાવીને તેમની તાર્કિક વિચારસરણી (Logical Thinking) અને સમજણ શક્તિને ખીલવવાનો છે.
ખાસ કરીને ધોરણ ૪ ના નાના ભૂલકાંઓ માટે આ પ્રશ્નબેંક અત્યંત ઉપયોગી છે. આમાં બાળકોએ જાતે જ ફકરાઓ, વાર્તાઓ અને કોષ્ટક વાંચીને તેની સમજ કેળવવાની છે અને પ્રશ્નોના ઉત્તર શોધવાના છે.
આ ઇન્ટરેક્ટિવ ક્વિઝના ફાયદા:- મૌલિક વિચારસરણી: બાળકો માત્ર વાંચતા જ નહીં, પણ વાંચેલી વિગતો પરથી તર્ક લગાવતા શીખશે.
- રસપ્રદ શિક્ષણ (Play-way Method): મોબાઈલના માધ્યમથી ઇન્ટરેક્ટિવ ક્વિઝ રમવાથી બાળકોને રમતા-રમતા ભણવાની મજા આવશે.
- તુરંત માર્ગદર્શન: દરેક જવાબ સાચો છે કે ખોટો, અને તેનું કારણ શું છે તે 'સમજૂતી' દ્વારા તરત જ મળી જશે.
- માતૃભાષા પર પ્રભુત્વ: અપરિચિત ફકરાના અર્થઘટનથી ગુજરાતી ભાષા પરની પકડ મજબૂત થશે.
👇 નીચે આપેલા ફકરાઓ અને વાર્તાઓ ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ ૪ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક 📝
🏡 વિભાગ ૧: ગામડાનો વિદ્યાર્થી
ગામડાનો વિદ્યાર્થી નગરમાં ભણવા આવ્યો છે પણ એનું મન તો ખેતરમાં છે. વૃક્ષોમાં છે, આંબામાં છે, મહુડામાં છે, મા-બાપમાં છે, ફળિયામાં છે, ગામમાં છે. એ બાળક પ્રકૃતિના ખોળામાંથી બહાર આવ્યો છે નગર એની અપર મા છે. અપર મા ની પાસેથી એ બાળકને ઉત્તમતાનું પ્રમાણપત્ર આપી શકે ખરું? કદાચ એ પ્રમાણપત્ર મેળવે, પણ એનું ગૌરવ કેટલું?
1. ગામડાનો વિદ્યાર્થી ક્યાં ભણવા આવ્યો છે?
2. બાળકનું મન શેમાં છે?
3. અપર મા એટલે ?
4. આ બાળકની હાલની સ્થિતિ કેવી છે?
5. આ ફકરામાં કોનું મહત્ત્વ દર્શાવ્યું છે?
💃 વિભાગ ૨: નવરાત્રીનો તહેવાર
વર્ષ દરમિયાન હવામાનમાં ફેરફાર થવાથી વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે. આ તહેવાર નવ દિવસ અને નવ રાત સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો શેરીમાં અને મંદિરોમાં ગરબા ગાય છે અને દાંડિયા રમે છે. આ સમયે લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને ઉપવાસ પણ કરે છે. નવરાત્રી આપણને ભક્તિ, શિસ્ત, આનંદ અને એકતાનો સંદેશ આપે છે.
1. નવરાત્રી કેટલા રાત્રી સુધી ઉજવવામાં આવે છે?
2. નવરાત્રીમાં કોની પૂજા કરવામાં આવે છે?
3. નવરાત્રી દરમિયાન લોકો શું કરે છે?
4. નવરાત્રીમાં લોકો કયા પ્રકારના વસ્ત્રો પહેરે છે?
5. નવરાત્રી આપણને શું શીખવે છે?
🪙 વિભાગ ૩: ભૂલ અને લોભનો પ્રસંગ
ઊભા થઈ મેં દરવાજા પાસેના કાઉન્ટર ઉપર પેલું ૬૦ પૈસાનું બિલ અને સાથે એક રૂપિયાની નોટ રજૂ કરી. કેશિયરે તે સ્વીકારી મને ૬૦ પૈસા પરત આપ્યા. તે જોઈ હું આશ્ચર્ય પામ્યો, કેમ કે મારે ફક્ત ૪૦ પૈસા જ પાછા લેવાના હતા. તેના બદલે કેશિયરે ભૂલથી શરતચૂકથી ૬૦ પૈસા પરત કર્યા. હા, તેની ભૂલ જાણવા છતાં મેં ૬૦ પૈસા લઈ લીધા. પાછા ન આપ્યા કે ન તો તેને તેની ભૂલ બતાવી. દશ-દશ પૈસાના છ સિક્કા લઈને મેં મારા શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકી દીધા. વીસ પૈસા વધુ મળવાની હું રાજી પણ થઈ ગયો. હું શાળાના દરવાજે પહોંચી ગયો.
(1) કાઉન્ટર ઉપર કેટલા રૂપિયાની નોટ રજૂ કરી?
(2) કેશિયરે કેટલા પૈસા પરત આપ્યા?
(3) કેશિયર પાસેથી ખરેખર કેટલા પૈસા પરત લેવાના હતા?
(4) 'હું રાજી થઈ ગયો' આ વાક્યમાં રાજી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
(5) 'દરવાજા' શબ્દ માટે ફકરામાં કયો સમાન અર્થ ધરાવતો શબ્દ વપરાયો છે?
🌳 વિભાગ ૪: પ્રતાપ અને ડોશીમા (વાર્તા)
પ્રતાપ ચાલ્યો જાય છે. માર્ગે જતાં એક મોટું જંગલ આવ્યું. બપોરનો સમય થયો છે. પ્રતાપને ભૂખ લાગી છે. રસ્તે પાકાં,બોર-જામફળ ખાતો જાય છે. એક મોટો વડલો આવે છે. વડલાની છાયામાં પ્રતાપ પોતાનું ભાથું છોડીને ખાવા બેસે છે. ભાથાની પોટલી છોડીને હાથમાં સુખડી લે છે ને તેની સામે એક ડોશી આવીને કહે છે, 'બેટા, ચાર દિવસની ભૂખી છું, મને એક ટુકડો આપીશ? તો ભગવાન તને સુખી કરશે.' પ્રતાપે થોડી સુખડી આપી, બે-ચાર પૂરી આપી.
(1) પ્રતાપ કયા સમયે જઈ રહ્યો હતો?
(2) 'વડલાની છાયા' શબ્દનો વિરોધી શબ્દ કયો થાય?
(3) ડોશીએ પ્રતાપને આશીર્વાદ આપતાં શું કહ્યું?
(4) આ વાર્તામાં પ્રતાપના સ્વભાવ વિશે શું કહી શકાય?
(5) 'બેટા' શબ્દ કોના માટે વપરાયો છે?
🇮🇳 વિભાગ ૫: આપણો દેશ ભારત અને દેશભક્તિ
“આપણો દેશ ભારત ૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૭ ના દિવસે આઝાદ થયો.આ આઝાદી મેળવવા માટે ગાંધીજી,સરદાર પટેલ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક દેશભક્તોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. દેશભક્તિ એટલે માત્ર સરહદ પર જઈને લડવું એવું નથી, પણ પોતાના દેશના નિયમોનું પાલન કરવું, પર્યાવરણને બચાવવું અને દેશના વિકાસમાં મદદરૂપ થવું એ પણ દેશભક્તિ જ છે. આપણે દર વર્ષે ૧૫ મી ઓગસ્ટના દિવસે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ત્રિરંગો લહેરાવીએ છીએ.આપણે હંમેશાં આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું જોઈએ. ભારતમાતાની રક્ષા કરવી એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.”
1. ભારત દેશ ક્યારે આઝાદ થયો ?
2. ફકરામાં ક્યા દેશભક્તનું નામ આપવામાં આવ્યું નથી ?
3. દેશભક્તિ એટલે શું ?
4. દરેક નાગરિકની પવિત્ર ફરજ કઈ છે ?
🌳 વિભાગ ૬: વડનું ઝાડ
વડનું ઝાડ ખૂબ મોટું અને ઘટાદાર હોય છે.વડના ઝાડ પર રાતા ( લાલ ) રંગના ટેટા આવે છે.આ ટેટા પક્ષીઓને ખૂબ ભાવે છે.વડની ડાળીઓ પરથી વડવાઈ લટકે છે.બાળકી આ વડવાઈ પકડીને હિંચકા ખાય છે.વડનું ઝાડ વર્ષો સુધી જીવે છે.તેથી તેને 'અક્ષયવટ' પણ કહેવામાં આવે છે.વડના છાંયડામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે.વડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે.
1. વડના ફળને શું કહેવામાં આવે છે ?
2. બાળકો શાના પર હિંચકા ખાય છે ?
૩. વડના ટેટાનો રંગ કેવો હોય છે ?
4. આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
5. 'આરામ' શબ્દનો વિરોધી શબ્દ કયો છે ?
⏳ વિભાગ ૭: સમયનું મૂલ્ય
સમય માનવજીવનની અમૂલ્ય સંપત્તિ છે.એકવાર પસાર થયેલો સમય ફરી પાછો મળતો નથી.તેથી તેનો સંયમપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કરવો જરૂરી છે.જે વ્યક્તિ સમયનું યોગ્ય આયોજન કરે છે તે પોતાના લક્ષ્ય સુધી પહોચી શકે છે.સમયની અવગણના કરનાર વ્યક્તિ ઘણી નિષ્ફળતા અનુભવે છે. કારણ કે આ સમય ભવિષ્ય ઘડે છે.અભ્યાસ, રમતો અને આરામ આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવવાથી જીવન સુવ્યવસ્થિત બંને છે.સમયનું મૂલ્ય સમજીને કરેલી મહેનત સફળતાનાં દ્વાર ખોલે છે.
1. સમયનું આયોજન કરનાર વ્યક્તિ શું મેળવી શકે છે ?
2. સમયનો વ્યર્થ ઉપયોગ શું બનશે ?
3. વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ શા માટે છે ?
4. ફકરા અનુસાર સમયનું મહત્વ શું છે ?
🚌 વિભાગ ૮: એસ.ટી. બસનું સમયપત્રક
| ગામનું નામ : રતનપુર | ઉપડવાનો સમય | પ્લેટફોર્મ | બસનો પ્રકાર |
|---|---|---|---|
| રતનપુર થી અમદાવાદ | ૬.૩૦ સવાર | ૧ | એક્સપ્રેસ |
| રતનપુર થી તાલુકામથક | ૮.૦૦ સવાર | ૨ | લોકલ |
| રતનપુર થી વડોદરા | ૯.૧૫ સવાર | ૩ | ગુર્જરનગરી |
| રતનપુર થી હાઇસ્કુલ | ૧૦.૩૦ સવાર | ૪ | લોકલ |
| રતનપુર થી રાજકોટ | ૧૨.૦૦ બપોર | ૫ | એક્સપ્રેસ |
| રતનપુર થી સુરત | ૪.૪૫ સાંજ | ૬ | સ્લીપર |
| રતનપુર થી રાત્રીબસ | ૬.૩૦ સાંજ | ૭ | લોકલ |
1. બપોરે ૧૨.૦૦ વાગે કઈ બસ ઉપડશે ?
2. સુરત જવા માટે ક્યા પ્રકારની બસની સુવિધા છે ?
3. અમદાવાદ જવા માટેની બસ સવારે કેટલા વાગે ઉપડશે ?
👨🌾 વિભાગ ૯: પશાભાઈની વાડી
રામપુરા ગામ છે. ગામમાં ઘણાં ખેતર છે. એક ખેતર પશાભાઇનું છે. પશાભાઇની એક વાડી પણ છે. વાડીમાં જાત-જાતનાં ઝાડ છે. કેટલાંક ઝાડ એમના દાદાએ વાવ્યાં છે, કેટલાંક એમના બાપાએ વાવ્યાં છે. પશાભાઇએ લીમડા અને રાયણ વાવ્યાં છે. પણ એ હજુ નાનાં છે. દાદાના જમાનાનો એક મોટો વડ છે. એક ઘટાદાર આંબો છે અને લીલોછમ લીમડો પણ છે.
1. પશાભાઈની વાડીમાં કોનાં કોનાં વૃક્ષો છે?
2. આ વાર્તામાં કયાં કયાં વૃક્ષોનો ઉલ્લેખ થયો છે?
3. પશાભાઈની વાડીમાં જાતજાતનાં ઝાડ છે એટલે?
4. પશાભાઈએ કયાં કયાં વૃક્ષો વાવ્યાં છે?
5. પશાભાઈને શાની ખબર નથી?
6. પશાભાઇ અને દાદા વચ્ચે શો સંબંધ છે?
🐦 વિભાગ ૧૦: કાગડો અને કોયલ (વાર્તા)
મીનળ બોલી, "કાગડો ખરેખર ખૂબ હોશિયાર પક્ષી છે. પણ તેનેય છેતરનારા પડયા છે હોં ! કાગડાના માળામાં કોયલ પોતાનાં ઈંડાં ચોરીછૂપીથી મૂકે છે. કોયલનાં ઈંડાં સહેજ નાનાં હોય છે પણ રંગેરૂપે કાગડાનાં ઈંડાં જેવાં જ હોય છે. કાગડો અને કાગડી વારાફરતી આ ઈંડાંને સેવે છે. એમાંથી બચ્ચાં નીકળે અને એ જાણે પોતાનાં જ બચ્ચાં હોય તેવી રીતે ઉછેરે છે. બચ્ચાં બોલતાં થાય એટલે કૂ. . . કૂ. . . કરતાં ઊડી જાય છે. "
1. આ વાર્તામાં કયાં કયાં પક્ષીઓ છે?
2. બચ્ચાં બોલતાં થાય એટલે કૂ. . . કૂ. . . કરતાં ઊડી જાય છે. વાક્યમાં 'કૂ...કૂ...' શબ્દ શું બતાવે છે?
3. કોયલ વિશેની કઈ વાત સાચી છે?
4. કોયલનાં ઈંડાં કેવાં છે?
5. આ વાર્તામાં કયો ભાવ છુપાયેલો છે?
🚰 વિભાગ ૧૧: ગાંધીજી અને પાણીની કરકસર
ગાંધીજી સવારે વહેલા ઊઠે, ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું. તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે. મોહનલાલ પંડયા કહે :”બાપુ પાણીનો તોટો છે? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?" ગાંધીજીએ એમને સામેથી પૂછયું :"મારું મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહિ એ કહોને. ”
1. ઉપરના પ્રસંગમાં કયા સમયની વાત કરવામાં આવી છે?
2. પાણીની કરકસર શું કરવા કરતા હશો? વાક્યમાં 'કરકસર’ એટલે. . .
૩. આ પ્રસંગમાં કઈ નદીની વાત થઇ છે?
4. આ પ્રસંગમાં ગાંધીજી માટે બીજો કયો શબ્દ વપરાયો છે?
5. ગાંધીજી વહેલા ઊઠીને કયું કાર્ય પહેલાં કરતા હતા?
🐴 વિભાગ ૧૨: ગધેડો અને ઘુવડ (વાર્તા)
એક ગધેડો એક વાર જંગલમાં ભૂલો પડી ગયો. રાત થઇ ગઈ હતી તેથી તે રડતો હતો. એટલામાં એક ઘુવડ આવ્યું ને તેણે આશ્વાસન આપ્યું કે ભાઈ કેમ રડે છે? ગધેડાએ રડવાનું કારણ કહ્યું, તો ઘુવડે કહ્યું કે, ફિકર ના કરીશ, મને તો અંધારામાં પણ દેખાય છે. આથી ગધેડાએ ઘુવડને માર્ગદર્શક બનાવી પોતાની પીઠ પર બેસાડયો. ઘુવડના કહેવા પ્રમાણે તે ચાલવા માંડયો. દિવસ થતાં ઘુવડને દેખાતું બંધ થઈ ગયું પણ ગધેડો તો હજુ પણ ઘુવડનું માગદર્શન માગતો હતો. ઘુવડ દિવસે અંધ હોવા છતાં સલાહ આપતું હતું. વચ્ચે નદી આવી ઘુવડે કહ્યું, ”સીધો ચાલ. ” ગધેડો પાણીમાં ઊતર્યો ને પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને તણાઈ ગયા.
1. ગધેડો ક્યાં ભૂલો પડી ગયો?
2. ગધેડો શા માટે રડતો હતો?
3. ઘુવડે ગધેડાને કયું આશ્વાસન આપ્યું?
4. ગધેડાએ ઘુવડને . . . . . . . તરીકે પોતાની પીઠ પર બેસાડયો.
5. ગધેડો અને ઘુવડ નદીમાં કેમ તણાઈ ગયા?
🐜 વિભાગ ૧૩: કીડી અને મંકોડો (વાર્તા)
એક લીલાછમ ખેતરમાં એક મહેનતુ કીડી રહેતી હતી. તેનું નામ ચિંકી. તે ઉનાળાની શરૂઆતથી જ શિયાળા માટે અનાજ ભેગું કરતી હતી. તે આખો દિવસ મહેનત કરી દાણા દરમાં લઈ જતી. તે જ ખેતરમાં એક આળસુ મંકોડો મિન્કુ રહેતો હતો. તે આખો દિવસ ગીત ગાતો અને વાંસળી વગાડતો. તે ચિંકીને કહેતો, ”તું શા માટે આટલી મહેનત કરે છે. "મજા કર અને ફરવા ચાલ. ચિંકીએ કહ્યું, "શિયાળો આવશે એટલે બરફ પડશે. ખાવાનું નહીં મળે. તું અનાજ ભેગું કરી લે. " મિન્કુ હસ્યો અને કહેવા લાગ્યો,” હજુ શિયાળાની તો વાર છે.” સમય વીતતાં શિયાળો આવ્યો અને બરફ છવાઈ ગયો. તેને ખાવા મળ્યું નહીં. તે ધ્રુજવા લાગ્યો અને નિરાશ થઈને ચિંકી પાસે ગયો. ચિંકીએ તેને ભોજન આપ્યું. મિન્કુએ તેનો આભાર માન્યો અને વચન આપ્યું કે, હું હવેથી દરરોજ મહેનત કરીશ.
1. ચિંકી કઈ ઋતુ માટે ખોરાક ભેગો કરતી હતી?
2. ‘મિન્કુ' આખો દિવસ શું કરતો હતો?
3. શિયાળામાં ‘મિન્કુ'ની શી હાલત થઈ?
4. વાર્તામાંથી ‘મહેનતુ' શબ્દનો વિરોધી શબ્દ શોધો.
5. વાર્તામાંથી આપણને કયો બોધ મળે છે?
🕊️ વિભાગ ૧૪: ટીની અને કબૂતર
એક હતી ટીની એને કબૂતર બહુ ગમે. કબૂતરને એ કબ્બુ કહે, રોજ સવારમાં ટીની ઊઠે, બ્રશ કરે અને બહાર નીકળે. આંગણામાં ઘૂ... ઘૂ... કરતાં બે-ચાર કમ્બુ જુએ. ટીની એના માટે જુવાર - બાજરીના દાણા આંગણામાં વેરે. ત્યાં તો કબૂતરોની આખી ફોજ ઊતરે. ટીનીને આટલાં બધાં કબૂતર એકસાથે જોવાની બહુ મજા પડે.
1. આંગણામાં ઘૂ... ઘૂ... કરતાં બે-ચાર કબ્બે જુએ. વાક્યમાં ઘૂ... ઘૂ... શબ્દ શું છે?
2. વાર્તામાં કઈ ક્રિયા ટીની કરતી નથી?
3. કબૂતરોની આખી ફોજ ઊતરેનો અર્થ શું થાય?
4. વાર્તામાં કઈ ક્રિયા સૌથી છેલ્લે થઈ હતી?
5. આટલાં બધાં કબૂતર એટલે. . .
0 Comments