પાઠ ૫: અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા (સંપૂર્ણ સોલ્યુશન)
આ પાઠના મુખ્ય મુદ્દાઓ:
- પ્રાચીન ભારતમાં તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠો હતી.
- અંગ્રેજો આવ્યા ત્યારે ભારતમાં ગામઠી શાળાઓ (ધૂળિયા નિશાળો) હતી, જેમાં મૌખિક શિક્ષણ અપાતું.
- ઈ.સ. 1835માં મેકોલેના પ્રયાસોથી અને વિલિયમ બેન્ટિકના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ.
- ઈ.સ. 1854નો 'વુડનો ખરીતો' ભારતીય શિક્ષણનો મેગ્નાકાર્ટા ગણાય છે.
- વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી.
- રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે વગેરેએ શિક્ષણ અને સમાજ સુધારણામાં મોટું યોગદાન આપ્યું.
- મહાત્મા ગાંધીની 'વર્ધા શિક્ષણ યોજના' (પાયાની કેળવણી) અને રવીન્દ્રનાથ ટાગોરનું 'શાંતિનિકેતન' શિક્ષણક્ષેત્રે મહત્વના છે.
સ્વાધ્યાય પ્રશ્નોત્તરી
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું ?
ઉત્તર: ઈ.સ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ?
ઉત્તર: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ.સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ ?
ઉત્તર: ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ.
(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?
ઉત્તર: દુર્ગારામ મહેતાએ ઈ.સ. 1844માં સુરતમાં ‘માનવધર્મ સભા’ ની સ્થાપના કરી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં ?
ઉત્તર:
- વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1901માં પોતાના રાજ્યમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.
- તેમણે બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી.
- તેમનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો.
(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું ?
ઉત્તર: ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
(3) વુડના ખરીતામાં શિક્ષણસંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી ?
ઉત્તર: ઈ.સ. 1854ના વુડના ખરીતામાં નીચે મુજબની ભલામણો હતી:
- દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી.
- અલગ શિક્ષણખાતાની રચના કરવી.
- સરકારી કૉલેજ અને શાળાઓની જાળવણી કરવી.
- ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું.
- શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી.
- ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો.
- દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી.
- સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું અને શિષ્યવૃત્તિઓની જોગવાઈ કરવી.
(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા-કયા પ્રયત્નો કરવામાં આવ્યા ?
ઉત્તર:
- મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી.
- જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓ સ્થાપી.
- મહર્ષિ કર્વેએ ઈ.સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી (એસ.એન.ડી.ટી.) ની સ્થાપના કરી.
પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો :
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
ઉત્તર: રાજા રામમોહનરાયે ઈ.સ. 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી.
- બ્રહ્મોસમાજે સતીપ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી, જેના પરિણામે 1829માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો ઘડ્યો.
- બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધપીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા થયા.
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા નેતાઓએ વિધવા પુનર્વિવાહ માટે હિમાયત કરી.
- આ સમાજે શિક્ષણના પ્રસારમાં અને ખાસ કરીને અંગ્રેજી કેળવણીના પ્રારંભમાં મહત્વનો ભાગ ભજવ્યો.
(2) વિધવાવિવાહ
ઉત્તર: મધ્યકાલીન ભારતમાં વિધવાઓને પુનઃલગ્નની છૂટ ન હતી, જેથી તેમનું જીવન દુષ્કર હતું.
- રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવાવિવાહ માટે પ્રયત્નો કર્યા.
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ‘સોમપ્રકાશ’ સામયિક દ્વારા હિમાયત કરી.
- તેમના પ્રયત્નોથી ઈ.સ. 1856માં ડેલહાઉસીએ ‘વિધવા પુનર્વિવાહ કાયદો’ પસાર કર્યો.
- પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે અને મહર્ષિ કર્વેએ પણ આ દિશામાં કામ કર્યું.
- ગુજરાતમાં નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો.
(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
ઉત્તર: રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી શિક્ષણના હિમાયતી હતા.
- તેઓ માનતા કે શિક્ષણ પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ મળવું જોઈએ.
- શિક્ષણ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ.
- બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ.
- બાળકમાં કલ્પનાશક્તિ, કુતૂહલવૃત્તિ, સંગીત, અભિનય અને ચિત્રકળા જેવા ગુણો વિકસવા જોઈએ.
- આ વિચારોના અમલ માટે તેમણે ઈ.સ. 1901માં ‘શાંતિનિકેતન’ ની સ્થાપના કરી હતી.
(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
ઉત્તર: સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
- તેમણે સમાજસેવા અને સમાજ-સુધારણાનો ઉપદેશ આપ્યો.
- તેઓ માનતા કે “માનવસેવા એ જ પ્રભુસેવા છે.”
- તેમનું સૂત્ર હતું: “ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત” (ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો).
- તેઓ માનતા કે જે ધર્મ વિધવાનાં આંસુ લૂછી ન શકે કે નિરાધારને રોટી ન આપી શકે, તે ધર્મમાં હું માનતો નથી. “પહેલાં અન્ન પછી ધર્મ.”
પ્રશ્ન 4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહિ કરો ?
(C) દુર્ગારામ મહેતા
(નોંધ: દુર્ગારામ મહેતા 1844ના સમયગાળાના સુધારક હતા, જ્યારે બાકીના ગાંધીજીના સાથીદારો હતા.)
(નોંધ: દુર્ગારામ મહેતા 1844ના સમયગાળાના સુધારક હતા, જ્યારે બાકીના ગાંધીજીના સાથીદારો હતા.)
(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
(B) મૌખિક શિક્ષણ
(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયાં કારણને તમે જવાબદાર ગણશો ?
(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા
પ્રશ્ન 5. જોડકાં જોડો :
| વિભાગ અ | વિભાગ બ (સાચો ઉત્તર) |
|---|---|
| (1) ઍલેક્ઝાન્ડર ડફ | (F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના |
| (2) દયાનંદ સરસ્વતીના શિષ્યો | (E) લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના |
| (3) ડી. કે. કર્વે | (A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના |
| (4) કેશવચંદ્ર સેન | (C) લગ્નવય સંમતિધારો |
| (5) જોનાથન ડંકન | (D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના |
વિશેષ પ્રશ્નો (Extra Questions)
(1) મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરનાં શિક્ષણ અંગેના વિચારોમાં રહેલી સમાનતા અને તફાવત જણાવો.
સમાનતા: બંને શિક્ષણમાં માતૃભાષાના હિમાયતી હતા. બંને શિક્ષણને વ્યવહારિક અને ચારિત્ર્ય નિર્માણ કરતું જોવા માંગતા હતા. બંને બાળકને કુદરતી વાતાવરણમાં શિક્ષણ આપવા માંગતા હતા.
તફાવત: ગાંધીજી શિક્ષણમાં હસ્તકલા અને શ્રમને વધુ મહત્વ આપતા હતા (વર્ધા યોજના), જ્યારે ટાગોર કલા, સંગીત અને સર્જનાત્મકતા પર વધુ ભાર મૂકતા હતા.
તફાવત: ગાંધીજી શિક્ષણમાં હસ્તકલા અને શ્રમને વધુ મહત્વ આપતા હતા (વર્ધા યોજના), જ્યારે ટાગોર કલા, સંગીત અને સર્જનાત્મકતા પર વધુ ભાર મૂકતા હતા.
(2) બાળલગ્ન અને કન્યા-કેળવણીના અભાવ જેવી સમસ્યાઓના કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં કેવા-કેવા અવરોધો આવે છે ?
ઉત્તર: બાળલગ્નને કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રુંધાય છે. કન્યા-કેળવણીના અભાવે સમાજનું અડધું અંગ (સ્ત્રીઓ) પછાત રહે છે, જેનાથી બાળકોના ઉછેર પર અસર પડે છે અને સમાજ અંધશ્રદ્ધામાં ફસાયેલો રહે છે. રાષ્ટ્રનો આર્થિક વિકાસ ધીમો પડે છે.
(3) અંગ્રેજોના આગમન પૂર્વેની શૈક્ષણિક પદ્ધતિ અને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કયા તફાવત જોવા મળે છે ?
ઉત્તર: અંગ્રેજો પૂર્વે શિક્ષણ મૌખિક હતું, કોઈ નિશ્ચિત પાઠ્યપુસ્તકો કે પરીક્ષાઓ ન હતી, અને ઝાડ નીચે શિક્ષણ અપાતું. વર્તમાન પદ્ધતિમાં નિશ્ચિત અભ્યાસક્રમ, પુસ્તકો, પરીક્ષાઓ, શાળાના મકાનો, તાલીમ પામેલા શિક્ષકો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
સામાજિક વિજ્ઞાન HOTS ક્વિઝ
એકમ 5: અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનમસ્તે પ્રિય વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો 🙏
આ એકમ 'અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા' ના જટિલ મુદ્દાઓ અને સામાજિક સુધારાઓને ઊંડાણપૂર્વક સમજવા માટે આ વિડિયો જોવો અત્યંત અનિવાર્ય છે. વિડિયોમાં આપેલ માહિતીના આધારે જ તમે ક્વિઝના ઉચ્ચ વૈચારિક કૌશલ્ય (HOTS) ધરાવતા પ્રશ્નોના ઉત્તર આપી શકશો. વિનંતી છે કે વિડિયો એકવાર શાંતિથી પૂર્ણ જુઓ.
0 Comments