Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 8 Gujarati Unit 15 | Pahalvahelo Nirnay | Interactive Quiz with Video & LO Based Result | Exam Guru

એકમ 15 : પહેલવહેલો નિર્ણય (સંપૂર્ણ સોલ્યુશન & Quiz)

એકમ 15 : પહેલવહેલો નિર્ણય
લેખક: ગિરીશ ગણાત્રા

પાઠની વિસ્તૃત સમજૂતી અને સાર

પાઠ પરિચય: 'પહેલવહેલો નિર્ણય' એ ગિરીશ ગણાત્રાની કિશોરકથા છે. આ વાર્તામાં ગૌરાંગ નામના યુવાનની સંવેદનશીલતા અને નિર્ણયશક્તિનું સુંદર વર્ણન છે.

સાર: ગૌરાંગને એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળે છે. તેની માતા મધુબહેન ખૂબ જ ચિંતાતુર છે અને ગૌરાંગ માટે નાની-નાની વસ્તુઓની યાદી બનાવે છે. બીજી તરફ તેના પિતા હેમંતભાઈ વ્યવહારુ છે; તેઓ ઈચ્છે છે કે ગૌરાંગ જાતે દુનિયાદારી શીખે. ગૌરાંગ હોસ્ટેલમાં જાય ત્યારે તેના પિતાના વિરોધ છતાં માતા તેના બેંક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવે છે.

ચાર વર્ષ પછી ગૌરાંગ ભણીને પાછો આવે છે ત્યારે પિતા પેલા 5000 રૂપિયાનો હિસાબ માંગે છે. ગૌરાંગ હિસાબ આપવાનું ટાળે છે, જેથી પિતા ગુસ્સે થાય છે. અંતે માતાના પ્રેમથી પૂછવા પર ગૌરાંગ સત્ય જણાવે છે: તેનો મિત્ર વિજય પિતાના મૃત્યુને કારણે ભણવાનું છોડી દેવાનો હતો. ગૌરાંગ અને તેના મિત્રોએ પેલા 5000 રૂપિયા વાપરીને વિજયની ફી ભરી અને તેને એન્જિનિયર બનાવ્યો. આ સાંભળી પિતા ગુસ્સે થવાને બદલે ખુશ થાય છે કે તેમના પુત્રએ જીવનનો પહેલો નિર્ણય (પહેલવહેલો નિર્ણય) માનવતાના હિતમાં લીધો છે.

💡 Exam Guru Tip: ગૌરાંગનું પાત્ર અને પાઠનો બોધ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં મોટાભાગે 'ગૌરાંગના પાત્ર' વિશે અથવા 'સાચી મિત્રતા' વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે. ગૌરાંગે પોતાના મોજશોખ કે સગવડનો વિચાર કર્યા વગર પોતાના પિતાના આપેલા ૫૦૦૦ રૂપિયાથી પોતાના મિત્ર વિજયની ફી ભરી હતી. આ ઘટના સાચી મિત્રતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પાઠ આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયે અન્યને મદદ કરવાનો નિર્ણય જ સાચો નિર્ણય છે.

પાઠનું સંપૂર્ણ વિષયવસ્તુ (શબ્દશ:)

ગૌરાંગને કૉલેજની હૉસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી દસ દિવસ સુધી મધુબહેન એક લિસ્ટ બનાવતાં રહ્યાં. ગાદલું, રજાઈ, ચાદર, ઓશીકું એનાં ગલેફ, બાલદી, ટમ્બલર, સૉપ-કેસ, સાબુ. લિસ્ટ લાંબું ને લાંબું બનતું ચાલ્યું. અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે એ ટપકાવી લે.

મમ્મીની આટલી બધી ચીવટ જોઈ, ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી, મને ખબર નહિ કે છોકરાઓને પણ કરિયાવર અપાતો હશે ! છોકરીઓને અપાય છે એ જાણું છું.

“સવારના ઊઠીને પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે. તે વખતે મા યાદ આવશે... તેં સ્લિપર લીધાં ? અને બુટપોલિશનું બ્રશ ને પોલિશની ડબ્બી લીધી ?’

'ના.'

‘ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં એ ઉમેરી દે. પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ. અરે ગૌરાંગ, હૉસ્ટેલની રૂમમાં અરીસો હોય ?'

“ખબર નથી.”

‘તો લિસ્ટમાં અરીસો લખી નાખ. હું એક નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ.’

ગૌરાંગને બહારગામની કૉલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે એ ખૂબ ખૂબ રાજી થયો. જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું. થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયાં, આ શહેરની કૉલેજમાં જ એડમિશન મળી જાત. કંઈ નહિ, કેમિકલ્સ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત તો થઈ. અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘેરથી ક્યાં ખૂબ દૂર છે ? માંડ સિત્તેરથી પંચોત્તેર કિલોમીટર દૂર. ટ્રેન, બસમાં આવ-જા કરી શકાય પણ અપ-ડાઉનમાં સમય ન વેડફાય એટલા માટે તો હૉસ્ટેલમાં એડમિશન લીધું. રવિવારે કે રજાના દિવસે ઘેર આવી શકાય.

'હું એમ કહું છું” મધુબહેને પતિને કહ્યું, “કે આપણે એક દિવસ ત્યાં જઈને હોસ્ટેલ – વ્યવસ્થા જોઈ આવીએ તો ?'

“શું કામ ?” પતિએ કહ્યું, ‘આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી. કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવાશે.’

“ભલે, પણ તો યે...”

‘આપણે એને મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ, કૉલેજ, કૉલેજના ક્લાસ, એની બેન્ચો, પાણીનો રૂમ-બધુંયે જોઈ લેશું. એક આખો દિવસ ત્યાં ગાળીશું.’

મધુબહેન તે વખતે કંઈ બોલ્યાં નહિ પણ પુત્રના એક મિત્રને પણ એ જ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હોવાથી, એનો સંપર્ક સાધી, બન્ને માતાઓ એ કૉલેજમાં જઈ આવી. ત્યાંથી પાછા આવ્યા પછી લિસ્ટમાં હવે બીજી બે-ચાર ચીજો ઉમેરાઈ-ઘરનું ઘી, અથાણાની બૉટલ, ખાખરાથી ભરેલો ડબ્બો અને… અને…

અને આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું. મધુબહેને પતિને કહ્યું-

‘ત્યાં કોલેજની બાજુમાં જ એક બૅન્ક છે...'

“તને કેવી રીતે ખબર પડી?”

“પડી હવે. હું કહું તે સાંભળો ! આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ. એના ખાતામાં પાંચેક હજાર રૂપિયા જમા કરાવી...'

“પાંચ હજાર? હેમંતભાઈ બોલ્યા, 'એટલા બધા પૈસાનું શું કામ છે ? શનિ-રવિ તો એ અહીં આવતો જ રહેશે ને ! આવે ત્યારે જરૂર હોય એટલા લઈ જાય...'

‘એ ખરું, પણ હવે ઘરથી દૂર રહેવાનો છે. ન જાણે ક્યારે કોઈ વસ્તુની જરૂર પડવાની ? પૈસા પાસે હોય તો કામ લાગે. તમે નહિ આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ.”

'સારું સારું !' માને પિતા કરતાં પુત્રના ક્ષેમ-કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી.

જે દિવસે કૉલેજમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી આખું કુટુંબ રવાના થયું.

કૉલેજના સત્તાવાળાઓએ ગૌરાંગને તથા બીજા બે વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી. રૂમનો નંબર મળતાં મધુબહેન સામાન લઈને પહોંચી ગયાં. હૉસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપ-બોર્ડ હતાં. મધુબહેને એમાં ગૌરાંગનો બધો સામાન જાતે ગોઠવ્યો.

પૂરા એક કલાકની જહેમત પછી મધુબહેને પુત્રના પલંગને, એના ટેબલ-ખુરશીને, કપ-બોર્ડને બરાબર ગોઠવ્યાં અને પછી રૂમમાં એક નજર નાખી બોલી ઊઠ્યાં:

'હાય, હાય, કપડાં સૂકવવાની દોરી તો ભૂલી ગયાં. હવે શું કરશું ?’

‘આ ગાદલાં ગોદડાં વીંટાળીને જે દોરી લાવ્યાં તેનાથી કામ સરી જશે.' હેમંતભાઈએ કહ્યું.

“ના, એ તો સીંદરી છે. એનાથી કપડાંને પીળા પીળા ડાઘા પડી જાય. નાયલોનની દોરી જોઈએ.” અને પછી ઘડિયાળ સામું જોઈ બોલ્યાં, ‘અહીં સાડા નવ વાગે બેંક શરૂ થઈ જાય છે. ચાલો, ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ.”

ગૌરાંગના ખાતામાં રૂપિયા પાંચ હજાર ભરી, એના હાથમાં ચેક-બુક આપી કહ્યું, ‘આને તાળા-કુંચીમાં સંભાળીને રાખજે.’ આ એક શિખામણ સાથે અનેક અનેક શિખામણો આપી, વિયોગનાં આંસુ સારી, મધુબહેન-હેમંતભાઈ ઘેર આવ્યાં.

એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘેર આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતાં કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા-મધુ, તને ગૌરાંગની કૉલેજની બાજુમાં ઘર લઈ આપું ? ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો.’

'તમારી સલાહની મને જરૂર નથી.' મધુબહેન રોષમાં બોલી ઊઠતાં ‘ત્યાં ગૌરાંગનું કોણ ? અહીં આવે ત્યારે દીકરા માટે એટલું ન કરું ?’

“સોળ વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ. આપણામાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. ગૌરાંગ હવે મોટો થયો. એને દુનિયાદારી, વિશ્વના વિદ્યાલયમાં જ શીખવા દો. સાચા-ખોટા નિર્ણયો લેતાં શીખશે. અનુભવથી જે શીખે એ સાચું ભણતર.”

ગૌરાંગ પાછો હૉસ્ટેલમાં જતો ત્યારે મધુબહેન એને નાસ્તાના ડબ્બા, અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતાં.

જોતજોતામાં ચાર વર્ષ નીકળી ગયાં. ગૌરાંગ ડિગ્રી લઈને, હૉસ્ટેલને સલામ કરી પાછો આવ્યો અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું.

એક દિવસ બાપ-દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી બૅન્ક-એકાઉન્ટ્સ તપાસી રહ્યા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું અને બોલી ઊઠ્યા- ‘ગૌરાંગ, તું હૉસ્ટેલમાં દાખલ થયો ત્યારે ત્યાંની બેંકમાં તારા નામે પાંચ હજાર રૂપિયા જમા કરાવેલા. એ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે?”

ગૌરાંગ જવાબ આપતાં ખચકાયો.

‘તું દર અઠવાડિયે ઘેર આવતો ત્યારે મેસનું, કૅન્ટિનનું કે ધોબી-દૂધવાળાના બિલ માટેના પૈસા ઘેરથી લઈ જતો. કૉલેજ અને હૉસ્ટેલ ફીના પૈસા પણ ઘરમાંથી જ અપાતા એટલે માનું છું કે એ બેલેન્સના વ્યાજ સહિત આજે.. આજે... લગભગ છ હજાર રૂપિયા હોવા જોઈએ.”

‘ખબર નથી’ કહી ગૌરાંગ ઊભો થઈ ચાલતો થયો.

“વોટ ડુ યુ મીન કે ખબર નથી ?” હેમંતભાઈનું પુત્રનું ચાલ્યા જવું ન ગમ્યું એટલે તાડૂકી ઊઠ્યા, ‘હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈએ. શું થયું એ પૈસાનું?”

જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડ-રૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા. એ દિવસે એ ખૂબ ગર્યા.

મધુબહેને પતિને જેમતેમ શાંત કર્યા પણ હેમંતભાઈ ચોકસાઈભર્યા માણસ. એ આ રકમને ભૂલી ન શક્યા. સમય મળ્યે એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો.

આટલી નાની રકમ માટે પિતા-પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલાં એક વખત મધુબહેને પુત્રનું માથું ખોળામાં લઈ, એના માથે હાથ ફેરવતાં પૂછ્યું-

“ગૌરાંગ, તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો ? તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈભર્યા છે ! આ બંગલો, કાર, ફેક્ટરી એમ ને એમ નથી ઊભાં થયાં? હિસાબની, વ્યવહારની ચીવટને કારણે એ કમાયા છે. તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કહે. મારી પાસેથી એ રકમ તને આપી દઈશ. તારા પપ્પા જેટલા નાળિયેરની છાલ જેવા કડક છે એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. તું એમને હિસાબ આપતાં ગભરાતો હોય તો મને કહી દે. આપણે બન્ને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું.”

પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો-

“મમ્મી, ત્રીજા વર્ષમાં મારા રૂમ-પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો. એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં જ એના પિતા મૃત્યુ પામ્યા. એક તો વિજયના ઘરની સ્થિતિ સારી નહિ. જેમતેમ કરીને એના પિતા વિજયનો ભણાવવાનો ખર્ચ ઉઠાવતા, એ આશાએ કે પુત્ર એન્જિનિયર થશે, કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે. એ એના પિતાની અંતિમવિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહિ. દસ-પંદર દિવસ થયા છતાંયે એ ન આવ્યો એટલે અમે બે-ત્રણ વિદ્યાર્થી એને ઘેર ગયા. અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માગે છે.

મમ્મી, વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. દોઢ વર્ષ માટે એની આખી કેરિયર રોળાઈ જતી હતી એટલે અમે પાંચ-છ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એનો કૉલેજનો, હૉસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો. મેં પેલા બેંક એકાઉન્ટના પાંચ હજાર રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું ? એ ચિડાય તો?”

મધુબહેન હસ્યાં અને કહ્યું – 'બેટા, બસ આટલી જ વાત છે ને?... પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો?!'

“હા, યુનિવર્સિટીમાં એ ડિસ્ટિન્કશન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો.”

“ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. હવે આ વાત તું મારા પર છોડી દે.”

બે ત્રણ દિવસ પછી, હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી.

વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઊઠ્યા - “મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. છોકરો યોગ્ય નિર્ણય કરતાં તો શીખ્યો ને ! ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતાં શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણયો લો.”

બીજે દિવસે પિતા-પુત્ર ઑફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું - 'પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ ? ન મળી હોય તો મને કહે. એસોસિએટેડ કેમિકલ્સવાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે...”

1. શબ્દાર્થ અને વાક્ય પ્રયોગ

શબ્દઅર્થવાક્ય પ્રયોગ
એડમિશનપ્રવેશરાહુલને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું.
ચાદરઓછાડમહેમાન માટે પલંગ પર નવી ચાદર પાથરી.
બાલદીડોલસ્નાન કરવા માટે બાલદીમાં પાણી ભર્યું.
ગલેફગાદી-તકિયાનું ખોળદિવાળી પર મમ્મીએ બધા ઓશીકાના ગલેફ બદલ્યા.
ચીવટકાળજીરમેશ પોતાના કામમાં ખૂબ ચીવટ રાખે છે.
કરિયાવરપહેરામણી (દહેજ)દીકરી સાસરે જાય ત્યારે તેને કરિયાવર આપવામાં આવે છે.
ફૅકલ્ટીવિદ્યાશાખાકોલેજમાં અલગ અલગ ફૅકલ્ટી હોય છે.
ફળીભૂતસાર્થક / સફળતેની મહેનત અંતે ફળીભૂત થઈ.
ક્ષેમકલ્યાણસુખશાંતિમાતા-પિતા હંમેશા સંતાનનું ક્ષેમકલ્યાણ ઇચ્છે છે.
સીંદરીકાથીની દોરડીખેડૂતે બળદને સીંદરીથી બાંધ્યો.
વિયોગવિરહ / જુદાઈપુત્રના વિયોગમાં માતા ઉદાસ હતી.
મેસભોજનાલયહોસ્ટેલના વિદ્યાર્થીઓ મેસમાં જમવા જાય છે.
તાડૂકી ઊઠવુંગુસ્સાથી બરાડી ઊઠવુંભૂલ થતાં પિતાજી પુત્ર પર તાડૂકી ઊઠ્યા.
યુનિવર્સિટીવિશ્વવિદ્યાલયગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે.

શબ્દસમૂહ માટે એક શબ્દ:

  • થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી - રજાઈ
    વાક્ય: શિયાળાની ઠંડીમાં હું રજાઈ ઓઢીને સૂઈ ગયો.

રૂઢિપ્રયોગ:

  • સુખના દિવસો જોવા: (જીવનમાં સુખશાંતિ આવવી)
    વાક્ય: ઘણી મહેનત કર્યા પછી હવે રમેશભાઈ સુખના દિવસો જોઈ રહ્યા છે.

કહેવત:

  • પારકી મા જ કાન વીંધે: (અર્થ: બીજાના કબજામાં બાળક રહે તો તેનું કહ્યું માને અને ઘડાય / મુશ્કેલીઓ જ સાચો અનુભવ આપે છે.)
    સમજૂતી: બાળક લાડકોડમાં બગડી જાય છે, પણ જ્યારે તે દુનિયામાં બહાર નીકળે અને પારકા લોકો વચ્ચે રહે ત્યારે જ તેને સાચું શિક્ષણ અને શિસ્ત મળે છે.

2. વાતચીત (પ્રશ્નોના જવાબ)

1. તમારે શાળામાં જવાનું હોય તે પહેલાં તમારી માતા શી તૈયારી કરે છે?
જવાબ: મારી માતા મારો નાસ્તો અને જમવાનો ડબ્બો તૈયાર કરે છે, વોટરબેગ ભરે છે અને મારું દફતર બરાબર ભરાયું છે કે નહીં તે તપાસે છે.

2. તમારે ઘેરથી દૂર કોઈ હૉસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે? કેમ?
જવાબ: શરૂઆતમાં થોડું દુઃખ થાય કારણ કે ઘરની યાદ આવે, પણ મને ગમશે કારણ કે ત્યાં નવા મિત્રો મળશે અને હું આત્મનિર્ભર બનતા શીખીશ.

3. ઘર અને હૉસ્ટેલના જીવનમાં શો તફાવત જોવા મળે છે?
જવાબ: ઘરમાં આપણે માતા-પિતા પર નિર્ભર હોઈએ છીએ અને લાડકોડ મળે છે. જ્યારે હોસ્ટેલમાં આપણે આપણા કામ જાતે કરવા પડે છે, શિસ્તમાં રહેવું પડે છે અને નિર્ણયો જાતે લેવા પડે છે.

4. તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે? શા માટે?
જવાબ: હા, મેં બેંકમાં બચત ખાતું ખોલાવ્યું છે જેથી મને મળતા પોકેટમની અને શિષ્યવૃત્તિના પૈસા હું સુરક્ષિત રીતે જમા કરી શકું.

5. તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે?
જવાબ: કપડાં, પથારીનો સામાન (ચાદર, ઓશીકું), દૈનિક જરૂરિયાતની વસ્તુઓ (સાબુ, ટૂથપેસ્ટ, તેલ), દવાઓ અને થોડા પૈસાની જરૂર પડે.

6. શાળાએ આવતાં પહેલાં તમારાં માતાપિતા તમને શી શિખામણ આપે છે?
જવાબ: તેઓ કહે છે કે શિક્ષકનું માનવું, મિત્રો સાથે ઝઘડો ન કરવો, ભણવામાં ધ્યાન આપવું અને નાસ્તો પૂરો કરવો.

7. તમારા પિતા તમારા પર ક્યારે ગુસ્સે થયા છે? શા માટે?
જવાબ: એકવાર મેં હોમવર્ક કર્યા વગર ટીવી જોયા કર્યું હતું અને ખોટું બોલ્યો હતો, ત્યારે પિતાજી મારા પર ગુસ્સે થયા હતા.

8. તમારી આસપાસ કોઈએ અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું છે? કેમ?
જવાબ: હા, મારા ઘરની પાસે રહેતા રાજુએ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ધોરણ 10 પછી ભણવાનું છોડીને નોકરી શરૂ કરી દીધી.

9. તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો? શા માટે?
જવાબ: જ્યારે મારા મિત્રને ભણવામાં તકલીફ હોય, તે બીમાર હોય અથવા કોઈ સાધનની જરૂર હોય ત્યારે હું મદદ કરું છું, કારણ કે સાચો મિત્ર મુસીબતમાં કામ આવે છે.

10. તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શો ઉપયોગ કરશો?
જવાબ: હું મને મળતા વાપરવાના પૈસામાંથી થોડા પૈસા ગલ્લામાં કે બેંકમાં જમા કરીશ. એ બચતનો ઉપયોગ હું પુસ્તકો ખરીદવા અથવા કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા કરીશ.

3. સ્વાધ્યાય

(2) શબ્દોનું વર્ગીકરણ

બૅંકને લગતા શબ્દોશિક્ષણને લગતા શબ્દો
બૅંકયુનિવર્સિટી
ફોર્મફોર્મ (બંનેમાં હોય)
બચત ખાતુંએન્જિનિયરિંગ
પૈસાકેમિકલ એન્જિનિયર
એસોસિએટેડ (કંપની સંદર્ભે)
(ઉમેરો: ચેકબુક, પાસબુક)(ઉમેરો: ડિગ્રી, એડમિશન)
💡 Exam Guru Tip: અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ આ પાઠમાં 'એડમિશન', 'હોસ્ટેલ', 'યુનિવર્સિટી', 'લિસ્ટ' જેવા ઘણા અંગ્રેજી શબ્દો વપરાયા છે. પરીક્ષામાં "અંગ્રેજી શબ્દોના સ્થાને ગુજરાતી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો" એવો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તેથી સ્વાધ્યાયમાં આપેલા તમામ અંગ્રેજી શબ્દોના શિષ્ટ ગુજરાતી અર્થ (જેમ કે હોસ્ટેલ = છાત્રાલય) ખાસ પાકા કરી લેવા.

(3) અંગ્રેજી શબ્દોનો ગુજરાતી અર્થ

  • યુનિવર્સિટી - વિશ્વવિદ્યાલય
  • એડમિશન - પ્રવેશ
  • એન્જિનિયર - ઈજનેર
  • હોસ્ટેલ - છાત્રાલય
  • લિસ્ટ - યાદી
  • બેંક - અધિકોષ

(4) વાક્યમાં અંગ્રેજી શબ્દને બદલે ગુજરાતી શબ્દ

ઉદાહરણ: આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
જવાબ: આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો.

1. ગૌરાંગે હોસ્ટેલમાં રહેવાનો નિર્ણય કર્યો.
જવાબ: ગૌરાંગે છાત્રાલયમાં રહેવાનો નિર્ણય કર્યો.

2. મમ્મીએ સામાનનું લિસ્ટ બનાવ્યું.
જવાબ: મમ્મીએ સામાનની યાદી બનાવી.

(5) વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો

  1. ગૌરાંગને કૉલેજની હૉસ્ટેલમાં એડમિશન મળ્યું.
  2. મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. (શરૂઆતમાં નહિ, સામાનની બાબતમાં)
  3. ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું.
  4. ગૌરાંગના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા.
  5. પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો.
  6. કૉલેજના મિત્રોએ વિજયની ફી અને હૉસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો.
  7. હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડૂક્યા. (હિસાબ માંગતી વખતે)
  8. ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો.

(6) બેંક ચલણ વિગત

BANK DEPOSIT SLIP (નમૂનો)

તારીખ: 12/02/2026

શાખા: ગાંધીનગર

ખાતા નંબર: 1234567890

નામ: ગૌરાંગ હેમંતભાઈ

રકમ (શબ્દોમાં): પાંચ હજાર રૂપિયા પૂરા

નોટસંખ્યારકમ
200024000
50021000
કુલ5000

સહી: (ગૌરાંગ)

(7) શ્રુતલેખન (ઉચ્ચારણ)

  • યુનિવર્સિટી (University)
  • કેમિકલ બ્રાન્ચ (Chemical Branch)
  • એન્જિનિયરિંગ (Engineering)
  • ડિસ્ટિંકશન (Distinction)
  • એસોસિએટેડ (Associated)

(9) 'મા' વિશે કહેવતો અને વિચાર વિસ્તાર

કહેવતો:

  1. મા તે મા, બીજા બધા વગડાના વા.
  2. માગ્યા વિના મા પણ ન પીરસે.
  3. ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.
  4. પારકી મા જ કાન વીંધે.
  5. મા મૂૂળાની પણ સાક્ષી પૂરે.

વિચાર વિસ્તાર: "મા તે મા, બીજા બધા વગડાના વા."
આ કહેવતમાં માતાના પ્રેમનો મહિમા ગવાયો છે. જંગલમાં વાતો પવન (વગડાનો વા) જેમ શરીરને દઝાડનારો કે રુક્ષ હોય છે, તેમ માતા સિવાયના અન્ય સંબંધોમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ કે ઉણપ હોઈ શકે છે. જ્યારે માતાનો પ્રેમ નિઃસ્વાર્થ અને શીતળ હોય છે. બાળક ગમે તેવું હોય, તો પણ માતા તેને પ્રેમ કરે છે. માતાના પ્રેમની તોલે દુનિયાની કોઈ વ્યક્તિ કે સંપત્તિ આવી શકે નહીં.

વિચાર વિસ્તાર: "માગ્યા વિના મા પણ ન પીરસે."
આ કહેવત પુરુષાર્થ અને રજૂઆતનું મહત્ત્વ સમજાવે છે. માતા બાળકને ખૂબ પ્રેમ કરતી હોય છે, છતાં જ્યાં સુધી બાળક રડે નહીં કે ઈશારો ન કરે ત્યાં સુધી તેને ભૂખ લાગી છે કે નહીં તે માતાને પણ ખબર પડતી નથી. તેવી જ રીતે જીવનમાં આપણે આપણી જરૂરિયાત, હક કે મુશ્કેલી વિશે બોલીએ નહીં ત્યાં સુધી સામેવાળી વ્યક્તિને જાણ થતી નથી. આમ, પ્રગતિ માટે અને હક મેળવવા માટે આપણે જાતે પ્રયત્ન કરવો પડે છે અને માંગણી મૂકવી પડે છે.

વિચાર વિસ્તાર: "ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર."
કંસાર એ ગુજરાતનું એક લોકપ્રિય મિષ્ટાન્ન છે, પણ જો તેમાં ગોળ કે ખાંડ ન હોય તો તે સ્વાદિષ્ટ લાગતું નથી, ગળા નીચે ઉતરતું નથી. તેવી જ રીતે સંસારમાં ભલે ગમે તેટલી સુખ-સાહ્યબી હોય, પણ જો ઘરમાં માતા ન હોય તો તે ઘર, ઘર નથી લાગતું. માતા ઘરનું કેન્દ્રબિંદુ છે. તેના વહાલ અને આશીર્વાદ વગર સંસારનો સાચો આનંદ મળતો નથી. માતાની હાજરી જીવનમાં મીઠાશ ભરી દે છે.

વિચાર વિસ્તાર: "પારકી મા જ કાન વીંધે"
આ કહેવતનો અર્થ એ છે કે બાળકને સાચું ઘડતર અને શિસ્ત ઘરની બહાર, સમાજમાં કે અન્ય વ્યક્તિઓ દ્વારા જ મળે છે. ઘરમાં માતાનો પ્રેમ બાળકને એટલો લાડ લડાવે છે કે ક્યારેક તેની ભૂલો ઢંકાઈ જાય છે. પણ જ્યારે બાળક બહાર જાય છે, ત્યારે પારકા લોકો તેની ભૂલ ચલાવી લેતા નથી. જીવનના કડવા અનુભવો અને મુશ્કેલીઓ જ માણસને સાચું શિક્ષણ આપે છે અને મજબૂત બનાવે છે. જેમ સોની જ કાન વીંધી શકે (માતાને દયા આવે), તેમ દુનિયાદારી જ માણસને ઘડે છે.

વિચાર વિસ્તાર: "મા મૂૂળાની પણ સાક્ષી પૂરે."
આ કહેવત માતાના પક્ષપાતી પ્રેમ તરફ ઈશારો કરે છે. મૂળો એ એક સામાન્ય વસ્તુ છે, છતાં જો બાળકના હિતની વાત આવે તો માતા સામાન્ય બાબતમાં પણ બાળકની તરફેણમાં સાક્ષી પુરાવે છે. ઘણીવાર બાળકનો વાંક હોય તો પણ માતા તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. માતાની દ્રષ્ટિએ તેનું સંતાન હંમેશા નિર્દોષ અને સાચું જ હોય છે. આ માતાના અંધપ્રેમનું ઉદાહરણ છે.

(10) પ્રશ્નોના જવાબ

1. ગૌરાંગને હૉસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી શી તૈયારીઓ ચાલતી હતી?
જવાબ: ગૌરાંગની માતા મધુબહેન સતત દસ દિવસ સુધી સામાનનું લિસ્ટ બનાવતા હતા. જેમાં ગાદલું, રજાઈ, ચાદર, ઓશીકું, ગલેફ, બાલદી, ટમ્બલર, સાબુ, સોપકેસ, સ્લીપર, બૂટપોલિશ વગેરેનો સમાવેશ થતો હતો. તેઓ ઝીણી ઝીણી વિગતોની ચિંતા કરતા હતા.

2. હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે?
જવાબ: હેમંતભાઈ વ્યવહારુ, શિસ્તપ્રિય અને ચોકસાઈવાળા માણસ હતા. તેઓ માનતા હતા કે પુત્રને લાડ લડાવવાને બદલે ખુલ્લો મૂકવો જોઈએ જેથી તે અનુભવથી શીખે. તેઓ બહારથી કડક પણ અંદરથી પ્રેમાળ (નાળિયેર જેવા) હતા.

3. મધુબેન ગૌરાંગની હૉસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતાં હશે?
જવાબ: (પાઠ મુજબ મધુબેન આગ્રહ નહોતા રાખતા, તેઓ ચિંતિત હતા). મધુબેન ઇચ્છતા હતા કે ગૌરાંગને કોઈ તકલીફ ન પડે. પરંતુ કદાચ ગૌરાંગ સારી રીતે ભણી શકે અને સમય ન બગડે તે માટે હોસ્ટેલની વ્યવસ્થા સ્વીકારી હતી.

4. હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડૂકી ઊઠ્યા?
જવાબ: જ્યારે હેમંતભાઈએ ગૌરાંગ પાસે 5000 રૂપિયાનો હિસાબ માંગ્યો ત્યારે ગૌરાંગે "ખબર નથી" એવો ઉદ્ધત જવાબ આપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. હિસાબમાં બેદરકારી અને આવું વર્તન જોઈ હેમંતભાઈ તાડૂકી ઊઠ્યા.

5. ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો?
જવાબ: ગૌરાંગે તે પૈસા પોતાના મિત્ર વિજયની મદદ માટે વાપર્યા હતા. તેને ડર હતો કે પિતાજી કદાચ આ વાત નહિ સમજે અથવા ગુસ્સે થશે કે પૂછ્યા વગર પૈસા કેમ વાપર્યા? તેથી તે હિસાબ આપવાનું ટાળતો હતો.

6. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું? કેમ?
જવાબ: ગૌરાંગે તે 5000 રૂપિયા તેના મિત્ર વિજયની કોલેજ ફી ભરવા માટે વાપર્યા. કારણ કે વિજયના પિતા ગુજરી ગયા હતા અને તે પૈસાના અભાવે ભણવાનું છોડી દેવાનો હતો. વિજય હોશિયાર હતો તેથી તેની કારકિર્દી બચાવવા ગૌરાંગે આ મદદ કરી.

7. ગૌરાંગનો પહેલવહેલો નિર્ણય તમને ગમ્યો? કેમ?
જવાબ: હા, મને ગૌરાંગનો નિર્ણય ખૂબ ગમ્યો. કારણ કે તેણે સ્વાર્થ જોવાને બદલે માનવતા દાખવી. તેણે એક હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતું અટકાવ્યું. આ તેની ઉદારતા અને સમજદારી બતાવે છે.

(11) ઝડપી વાચન અને શબ્દ ગણતરી

(અહીં વિદ્યાર્થીએ પુસ્તકમાં આપેલો ફકરો વાંચવાનો છે અને એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તે નોંધવાનું છે. આશરે 100-150 શબ્દોનો ફકરો છે.)

ચાલો, યાદ કરીએ...

  • ગૌરાંગને લાગુ પડતી બાબતો: સંવેદનશીલ, મદદગાર, સાચો મિત્ર, થોડો અંતર્મુખી (પિતા સામે), નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો.
  • માતાની ચિંતા: પાઠના શરૂઆતના ફકરામાં (લિસ્ટ બનાવવું, નાની વસ્તુઓ યાદ કરાવવી) માતાની ચિંતા દેખાય છે.
  • મદદ ન કરી હોત તો: જો ગૌરાંગે મદદ ન કરી હોત તો વિજયે ભણવાનું છોડી દેવું પડત અને એક હોશિયાર એન્જિનિયરની કારકિર્દી રોળાઈ જાત.
  • બેંક ચલણની વિગતો: તારીખ, શાખા, ખાતાનો પ્રકાર, ખાતા નંબર, ખાતેદારનું નામ, રકમ (અંક અને શબ્દમાં), નોટોની વિગત, સહી.

વિદ્યાર્થી મિત્રો, આશા છે કે 'પહેલવહેલો નિર્ણય' પાઠ તમને ગમ્યો હશે. ગૌરાંગના આ એક સાચા નિર્ણયે આપણને સાચી મિત્રતા અને માનવતાના દર્શન કરાવ્યા છે. ભવિષ્યમાં તમારા જીવનમાં પણ જ્યારે આવા અગત્યના નિર્ણયો લેવાનો સમય આવશે, ત્યારે આ પાઠનો બોધ તમને જરૂર યાદ આવશે. તો ચાલો, હવે આપણે ચકાસી લઈએ કે તમને આ પાઠના પ્રશ્નો અને વ્યાકરણ કેટલું યાદ છે. નીચે આપેલી ક્વિઝ રમીને તમારું પરિણામ જરૂર ચેક કરજો! બેસ્ટ ઑફ લક! 🎯

પહેલવહેલો નિર્ણય (Quiz) 💡

ધોરણ 8 ગુજરાતી | એકમ 15 | EXAM GURU

📌 વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકશ્રીઓ માટે સૂચના:
આ વાર્તાના હાર્દને સમજવા અને ક્વિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે નીચે આપેલો વિડિયો એકવાર અવશ્ય જુઓ. વિડિયો જોયા બાદ જ ક્વિઝ શરૂ થશે. (એકવાર જોયા પછી ફરી જોવો જરૂરી નથી).
🔒 ક્વિઝ લૉક છે. (વિડિયો જુઓ...)
પ્રશ્ન: 1 / 25
60s

🏆 પરિણામ પત્રક 🏆

0 / 25

અધ્યયન નિષ્પત્તિ (LO) મુજબ વિશ્લેષણ:

LO કોડ કૌશલ્ય (Skill) પરિણામ

✅ = સિદ્ધ (70%+) | ❓ = પ્રયત્ન ચાલુ (50-70%) | ❌ = પુનઃપ્રયત્ન જરૂરી (<50%)

Post a Comment

0 Comments