Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ ૭ ગુજરાતી પાઠ ૯: રત્નભોજન (નવલકથાખંડ) - સ્માર્ટ ક્લાસ આયોજન

સ્માર્ટ ક્લાસ આયોજન: રત્નભોજન (પાઠ ૯)

પાઠ ૯: રત્નભોજન (નવલકથાખંડ)

ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'

🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: કથન-ચર્ચા પદ્ધતિ, નાટ્યાત્મક વાંચન (પાત્રોના સંવાદોનું રજૂઆત), દૃષ્ટાંત પ્રયુક્તિ, અને માઇક્રો-ટીચિંગ દ્વારા મૂલ્યાંકન.
શ્રી મનુભાઈ પંચોળીનો જન્મ વર્તમાન મોરબી જિલ્લાના પંચાશિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રાજારામ અને માતાનું નામ મોતીબેન હતું. તેઓ નવલકથાકાર, ચિંતક અને કેળવણીકાર તરીકે જાણીતા છે. તેમની ‘દીપનિર્વાણ’ અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાઓ જાણીતી છે. તેમની 'સોક્રેટિસ' નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમને 1964માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

શ્રી મનુભાઈ પંચોળી દર્શક લિખિત પ્રશિષ્ટ નવલકથા 'દીપનિર્વાણ' ઈસવીસન 1944માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથામાં દર્શકે ભારતનાં આજથી બેહજાર વર્ષ પૂર્વેનાં ગણરાજ્યોનો કાળ કથામાં સરસ રીતે ગૂંથી લીધો છે. આનંદ, સુચરિતા, કૃષ્ણા અને સુદત્ત આ નવલકથાનાં પ્રમુખ પાત્રો છે, તેમજ મહાકશ્યપ અને મહર્ષિ ઐલ એ બે પાત્રો ઘણાં જ તેજસ્વી અને પ્રેરક છે. ૨૭ પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથામાં મૌર્ય કાળનું આબેહૂબ નિરૂપણ છે. સાથે સાથે તે સમયે શરૂ થયેલાં ગ્રીક આક્રમણોનો પણ અહીં ઉલ્લેખ મળે છે, જેમાં ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રનું વર્ણન પણ આ નવલકથામાં છે. સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મૈનેન્દ્રને મહર્ષિ ઐલ કઈ રીતે ઝાંખો પાડીને જીવનનું સત્ય સમજાવે છે, તે પ્રકરણ અઢારનો અંશ એટલે આ એકમ. મહર્ષિ ઐલ અહીં પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા જ બધા ગ્રીક સૈનિકોને જે રીતે ઉપદેશ આપે છે તે ઘણું રસપ્રદ છે. આ એકમની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે. કેટલાક વિશિષ્ટ શબ્દો છે તે પણ નોંધી શકશો.
સમજૂતી: આ પાઠ લેખક મનુભાઈ પંચોળી (ઉપનામ: દર્શક) ની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથા 'દીપનિર્વાણ' (જે ૧૯૪૪ માં લખાઈ હતી) માંથી લેવામાં આવ્યો છે. આ નવલકથા આજથી ૨૦૦૦ વર્ષ પહેલાના ગણરાજ્યો (મૌર્યકાળ) પર આધારિત છે. ઋષિ ઐલ દ્વારા શત્રુ દેશના લાલચી રાજા (ગ્રીક યોદ્ધા મૈનેન્દ્ર) નું હૃદયપરિવર્તન કેવી રીતે થાય છે, તેનો એક ઉત્તમ સંવાદ આ પાઠમાં આપેલો છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • લેખક મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? જવાબ: દર્શક.
  • લેખકનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ: મોરબી જિલ્લાના પંચાશિયા ગામે.
  • લેખકની કઈ નવલકથાને મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો છે? જવાબ: 'સોક્રેટિસ' નવલકથાને.
  • આ પાઠ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે? જવાબ: 'દીપનિર્વાણ' નવલકથાના અઢારમા પ્રકરણમાંથી.
  • નવલકથામાં કયા સમયકાળનું આબેહૂબ નિરૂપણ છે? જવાબ: મૌર્યકાળનું (બે હજાર વર્ષ પૂર્વેનાં ગણરાજ્યોનું).
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
દેવમંદિરમાં પેસતાં મહર્ષિ ઐલે એક ક્ષણ માટે ઉંબર પર માથું ટેકવ્યું. મનમાં- મનમાં બોલ્યા: “આજ્ઞા!” આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર પેઠા. પહેલાં મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાકડો સળગાવી કાંઈક તપાસ્યું. પછી સાથે લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું. આનંદના આશ્ચર્ય વચ્ચે પથરો ખસતો લાગ્યો. થોડી વારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ.

“થોડી વાર બેસીએ. ભૂગર્ભગૃહમાં હવા જવા દે.” થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા. આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય તેમ લાગ્યું. એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી. થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ.

“પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથીય આપણું વિદ્યાધન બચી જાય.” કહી એમણે એક ઘોડો ખસેડયો. પછવાડેની દીવાલમાંથી પૂર્વવત્ એક પથરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટી બતાવીને ઊંચકી બહાર કાઢવા કહ્યું. પેટીઓ વજનદાર હતી. એકલા આનંદથી ઊંચકાય તેમ નહોતી, એટલે એણે એક હાથ વતી ટેકો આપી બહાર ખેંચી કાઢી. ધૂળ ખંખેરી ઉઘાડી તો એકમાં હતાં ઝળહળતાં રત્નો. એની અનેકરંગી આભાથી ભૂગર્ભગૃહની દીવાલો પણ ચમકી રહી. એમાંનાં થોડાં રત્નોને એક પોટલીમાં બાંધી લેવાનું કહી એણે બીજી પેટી ઉઘાડી. એમાં હતા સુવર્ણ તથા રજતના ટુકડાઓ. એની બીજી પોટલી બાંધી. ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને યથાસ્થિત ગોઠવ્યો. “આ છે વિદ્યાપીઠનો ધનભંડાર!” કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા.
સમજૂતી: મહર્ષિ ઐલ આનંદને મંદિરમાં રહેલા ગુપ્ત ભોંયરામાં (ભૂગર્ભગૃહમાં) લઈ જાય છે. ત્યાં નીચે એક ગુપ્ત પુસ્તકાલય અને મૂર્તિઓ હતાં, જેથી જો ઉપરનું પુસ્તકાલય નાશ પામે તો પણ વિદ્યા બચી રહે. ત્યાં દીવાલમાં છુપાવેલી બે ભારે પેટીઓ હતી. એકમાં રત્નો અને બીજીમાં સોના-ચાંદીના ટુકડા હતા. ઋષિ તેમાંથી થોડા રત્નો અને સોનું-રૂપું પોટલીમાં બાંધી લે છે. આ જ વિદ્યાપીઠનો છુપો ધનભંડાર હતો.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • મહર્ષિ ઐલ અને આનંદ ક્યાં પ્રવેશ્યા? જવાબ: દેવમંદિરના ગુપ્ત ભૂગર્ભગૃહ (ભોંયરા) માં.
  • ભોંયરામાં ચારે બાજુ શું ગોઠવેલું હતું? જવાબ: પુસ્તકાલયની જેમ પોથીઓ અને કેટલીક અનુપમ મૂર્તિઓ.
  • દીવાલની પોલાણમાંથી આનંદે શું બહાર કાઢ્યું? જવાબ: બે વજનદાર પેટીઓ.
  • બંને પેટીઓ ખોલી ત્યારે અંદરથી શું નીકળ્યું? જવાબ: એક પેટીમાં ઝળહળતાં રત્નો અને બીજીમાં સુવર્ણ (સોનું) તથા રજત (રૂપા) ના ટુકડાઓ.
  • આ ભોંયરું શા માટે બનાવવામાં આવ્યું હશે? જવાબ: વિદ્યાધન (પુસ્તકો) અને વિદ્યાપીઠના ધનભંડારને દુશ્મનોથી બચાવી રાખવા માટે.
LO 3.3 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે છે.
આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહિ. નહિ નહિ તોય, માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્નસંગ્રહ હતો.
“આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી?”
"વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું-ધન પર નહિ, એટલે.”
“આ છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો?”
“એ જ અમારું ગૌરવ ને મૂડી છે. ઉદરપોષણ માટે રોજ ભિક્ષા માગતાં અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી !”
સમજૂતી: આટલો મોટો ખજાનો જોઈને આનંદ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે પૂછે છે કે આટલું બધું ધન હોવા છતાં વિદ્યાપીઠના ખર્ચ માટે તમે લોકો (નગરસભા) પાસે ભિક્ષા કેમ માંગો છો? મહર્ષિ ઐલ સમજાવે છે કે, વિદ્યાલયનું સાચું ગૌરવ ધન નથી, પરંતુ સમાજનો ટેકો છે. જે દિવસે જ્ઞાન આપનારાઓને ભિક્ષા (લોકોનો આશ્રય) માંગવામાં શરમ આવશે, તે દિવસે સાચી વિદ્યા (સરસ્વતી) નાશ પામશે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • રત્નસંગ્રહની કિંમત કેટલી હતી? જવાબ: આખું માલવગણ ખરીદી શકાય તેટલી.
  • આનંદને કઈ વાતની નવાઈ લાગી? જવાબ: આટલું ધન હોવા છતાં ઋષિ નગરસભા પર શા માટે નભે છે તેની.
  • મહર્ષિ ઐલ વિદ્યાલય શેના પર ઊભું કરવા માંગતા હતા? જવાબ: પોતાના પર (જ્ઞાન અને તપ પર), ધન પર નહીં.
  • મહર્ષિના મતે વિદ્યાલયનું સાચું ગૌરવ ને મૂડી શું છે? જવાબ: નગરસભા (લોકોનો ટેકો અને ભિક્ષા).
  • કયા દિવસે સરસ્વતી રિસાઈ જશે તેમ ઋષિ કહે છે? જવાબ: જે દિવસે ઉદરપોષણ માટે ભિક્ષા માંગવામાં શરમ કે કંટાળો આવશે તે દિવસે.
સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ. બધા જ શિષ્યો, આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવિલ પૂરી હતી. આસનો પાથરી દીધાં હતાં. જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપનાં કોડિયાં સળગાવ્યાં હતાં. ઐલે આજે કૃષ્ણાને આગ્રહ કરી કરી સજાવી હતી, તોય એમને સંતોષ નહોતો થતો.

આમંત્રિતો આવી ગયા, યવનસામંત ને એના સાગરીતો બરાબર બનીઠનીને આવ્યા હતા. શક-સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી. માત્ર મૈનેન્દ્ર રોજના કરતાં ઊલટો સાદો દેખાતો હતો. એણે પાસે કંઈ હથિયાર રાખ્યું નહોતું. પાદત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા પગે જ આવ્યો હતો. ઐલને જોતાં જ એ દંડવત્ પડી ગયો.
સમજૂતી: સાંજે ગ્રીક રાજા મૈનેન્દ્ર અને તેના સરદારોને જમવા બોલાવ્યા હતા. શિષ્યોએ ચોગાન સાફ કરી, રંગોળી પૂરી અને ધૂપ સળગાવીને સુંદર તૈયારી કરી હતી. ઐલે કૃષ્ણાને ખાસ શણગારી હતી. યવન-સામંતો અને શક-સરદારો બનીઠનીને (તૈયાર થઈને) આવ્યા હતા. પણ મુખ્ય રાજા 'મૈનેન્દ્ર' સાવ સાદા વસ્ત્રોમાં, હથિયાર વિના અને ઉઘાડા પગે (અડવાણા પગે) આવ્યો હતો, અને ઋષિને દંડવત્ પ્રણામ કર્યા.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • શિષ્યોએ આમંત્રિતોના સ્વાગત માટે શી તૈયારી કરી હતી? જવાબ: ચોગાન સાફ કર્યું, રંગોળી પૂરી, આસનો પાથર્યા અને ધૂપનાં કોડિયાં સળગાવ્યાં.
  • યવનસામંતો અને શક-સરદારો કેવી રીતે આવ્યા હતા? જવાબ: બરાબર બનીઠનીને અને સુઘડ દેખાવમાં આવ્યા હતા.
  • રાજા મૈનેન્દ્રનો પહેરવેશ કેવો હતો? જવાબ: તે રોજના કરતાં એકદમ સાદો દેખાતો હતો.
  • મૈનેન્દ્ર શું મૂકીને આવ્યો હતો? જવાબ: હથિયાર અને પાદત્રાણ (પગરખાં) મૂકીને ઉઘાડા પગે આવ્યો હતો.
  • મૈનેન્દ્રએ ઐલને જોતાં જ શું કર્યું? જવાબ: તે દંડવત્ પડી ગયો (પ્રણામ કર્યા).
LO 4.1 સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે છે.
“મૈનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો !” એને ઊભો કરતાં મહર્ષિએ સ્નેહથી કહ્યું. શક-સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા, યવન-સામંતને પણ ન છૂટકે અનુસરવું પડ્યું. મૈનેન્દ્ર ને એના સરદારોની પંક્તિ એક રાખી હતી. અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા.

થોડી વારે અંદરથી પીરસાઈને થાળ આવવા માંડયા. સૌને નવાઈ લાગી કે શક-સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ-રજતના ટુકડા પીરસ્યા હતા! અન્ય સૌના થાળમાં હતો કંસાર. શક-સરદારોએ પહેલાં તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું, પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ બીજું ન આવ્યું ત્યારે વિચારમાં પડયા.

ત્યાં તો ઐલે કહ્યું : “હા, શરૂ કરો જમવાનું !” વિદ્યાર્થીઓ જમવા માંડયા. યવન-સામંત ને એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળિયા રાખીને બેસી રહ્યા. ઐલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા. મૈનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો. તેના મોં પર વાદળી પથરાઈ હતી.
સમજૂતી: જમવાનો સમય થયો. શક-સરદારો અને મૈનેન્દ્ર એક હારમાં બેઠા. જ્યારે ભોજનના થાળ આવ્યા ત્યારે સૌને નવાઈ લાગી. આશ્રમવાસીઓને જમવામાં કંસાર પીરસાયો હતો, પણ મૈનેન્દ્ર અને તેના સરદારોના થાળમાં અનાજની જગ્યાએ સોનું, ચાંદી અને રત્નો પીરસ્યા હતા! સરદારોને લાગ્યું કે આ ભેટ હશે, પણ જ્યારે ખાવાનું ન આવ્યું ત્યારે તેઓ મૂંઝાઈ ગયા. ઋષિએ જમવાનું શરૂ કરવા કહ્યું. મૈનેન્દ્રના ચહેરા પર શરમથી ઉદાસી છવાઈ ગઈ.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • શક-સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું? જવાબ: ભોજનની જગ્યાએ રત્નો અને સુવર્ણ-રજતના ટુકડા.
  • આશ્રમના અન્ય લોકોના થાળમાં શું હતું? જવાબ: કંસાર.
  • શક-સરદારોએ પહેલા રત્નો વિશે શું વિચાર્યું હતું? જવાબ: કે ભોજનની સાથે આ ભેટ તરીકે હશે.
  • યવન-સામંતો અને સરદારો કેમ જમતા નહોતા? જવાબ: મહાક્ષત્રપ (મૈનેન્દ્ર) નું ક્યાંક અપમાન ન થઈ જાય એ બીકે.
  • મૈનેન્દ્રના ચહેરાના હાવભાવ કેવા હતા? જવાબ: તેના મોં પર વાદળી પથરાઈ હતી (તે ઉદાસ અને શરમમાં હતો).
ઓચિંતાના ઊંચું જોઈને શક-સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું : “અરે આપ જમતા નથી? કૃષ્ણા, અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું? વધુ સામગ્રી લાવ તો, બહેન!!” રાંધણિયામાંથી બે હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈને શોભનમુખ કૃષ્ણા બહાર આવી. મૈનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિકકાં હતાં! એક પછી એક થાળીમાં રત્નો ને સુવર્ણ પીરસાયાં. "હા, શરૂ કરો !” ઐલે ફરી કહ્યું. કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી!

એક શક-સરદારે કહ્યું: “આમાં શું ખાય?”
"કેમ, આપને જે રૂચે તે –રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ!”
"એ તે ખવાતું હશે?"
“એ નથી ખવાતું તમારે ત્યાં? આ શું કહે છે, મૈનેન્દ્ર? તમે સુવર્ણ-રજત ખાતા નથી?”
"અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ."
એલે જાણે માનતા ન હોય તેમ ડોકું ધુણાવ્યું: "બને નહિ !"
બધા કહે: “અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ."
પછી ગંભીર થઈને કહે: "તમારે ત્યાં વરસાદ વરસે છે ?"
“હા, હા! આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઊગે છે." એક વૃદ્ધ કહ્યું.
નિસાસો મૂકીને થોડી વારે ઐલે પૂછયું: “તો તમારે ત્યાં ગાયો છે ખરી?"
એક વૃદ્ધ હસીને કહ્યું: “આપ શું ધારો છે? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ ને મેદાનો છે અમારે ત્યાં."
સમજૂતી: ઋષિ જાણીજોઈને નાટક કરતા પૂછે છે કે તમે કેમ જમતા નથી? અને કૃષ્ણા પાસે વધુ રત્નો પીરસાવે છે. એક સરદાર કહે છે કે "આમાં શું ખાય? સોનું-રૂપું તે કંઈ ખવાતું હશે?" ત્યારે ઋષિ કહે છે કે મને તો એમ કે તમે સુવર્ણ જ ખાતા હશો! સરદારો કહે છે કે અમે પણ અન્ન જ ખાઈએ છીએ અને અમારા દેશમાં પણ વરસાદ વરસે છે, ગાયો છે. મૈનેન્દ્ર સમજી જાય છે કે ઋષિ કોઈ મોટો કટાક્ષ કરી રહ્યા છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • કૃષ્ણા રાંધણિયામાંથી બહાર આવી ત્યારે તેના હાથમાં શું હતું? જવાબ: રત્ન તથા સુવર્ણના થાળ.
  • શક-સરદારે ઋષિને શું પ્રશ્ન કર્યો? જવાબ: "આમાં શું ખાય? એ તે ખવાતું હશે?"
  • ઋષિએ કટાક્ષમાં શું પૂછ્યું? જવાબ: શું તમે સુવર્ણ-રજત ખાતા નથી?
  • મૈનેન્દ્રએ શું જવાબ આપ્યો? જવાબ: અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ.
  • ઋષિએ ગંભીર થઈને તેમના દેશ વિશે કયા બે પ્રશ્નો પૂછ્યા? જવાબ: "તમારે ત્યાં વરસાદ વરસે છે?" અને "તમારે ત્યાં ગાયો છે ખરી?"
ઐલે વધુ મોટો નિસાસો મૂકીને કહ્યું: “હં હવે સમજ્યો!" મૈનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. એ સમજયો : મહર્ષિ કંઈક ઉપદેશવા જ માગે છે. એણે હાથ જોડીને કહ્યું: “અમે બધા સાવ જડસુ છીએ. સૂત્રમાં કહો તે અર્ધપશુઓને નહિ સમજાય!"

ઐલે શક-સરદારો તરફ જોઈને કહ્યું: "મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું-રૂપું ખાવાનો ચાલ હશે, ને ત્યાં પૂરતું નહિ હોય એટલે આમ કરતા હશો; એટલે તો તમને એ પીરસ્યું. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો, ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહિ થતો હોય. પણ એય થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વનૌષધિ છે, છતાંયે જે બીજાના મુલકનો સર્વનાશ કરતા આવે છે એમને ત્યાં ભગવાન શા સારુ વરસાદ વરસાવતા હશે? એટલે મેં પૂછયું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. વરસાદ વરસે છે તે તમારે માટે નહિ, પણ પેલી અબોલ ગાયો માટે-તમે તો ભગવાનની દયાને પાત્ર નથી.”

ઐલના ગંભીર અવાજમાં આજે પુણ્યપ્રકોપ દેખાતો હતો. આશ્રમનાં વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતાં હતાં. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. મૈનેન્દ્ર જાણે એ વેણે-વેણે ઘવાતો-પીડા પામતો ને વારે-વારે પુનર્જીવન પામવા મથતો હતો. એલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણાના હાથમાંથી ખણ… ખણ… ખણ. કરતા બંને થાળ છૂટી પડયા. સુવર્ણ, રજત ને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાયાં.
સમજૂતી: મૈનેન્દ્ર સમજી ગયો કે ઋષિ ઉપદેશ આપી રહ્યા છે. ઋષિ ઐલ સમજાવે છે કે, "તમે પારકા ગામો સળગાવો છો અને સંપત્તિ લૂંટો છો, તો મને લાગ્યું કે કદાચ તમારો ખોરાક સોનું હશે. અને જો તમે અન્ન જ ખાતા હોવ તો મને એમ કે તમારા દેશમાં વરસાદ નહિ પડતો હોય. પણ તમારી પાસે બધું હોવા છતાં તમે લૂંટફાટ કરો છો. ભગવાન તમારા માટે નહિ, પણ તમારી ગાયો માટે વરસાદ વરસાવે છે. તમે તો ઈશ્વરની દયાને પાત્ર જ નથી." ઋષિના આ પવિત્ર ક્રોધ (પુણ્યપ્રકોપ) ના શબ્દોથી મૈનેન્દ્રના હૃદયમાં ભારે પીડા થાય છે અને તેનું હૃદયપરિવર્તન થાય છે. અંતે, કૃષ્ણાના હાથમાંથી રત્નોના થાળ નીચે ધૂળમાં પડી જાય છે, જે દર્શાવે છે કે માનવતા સામે સંપત્તિ ધૂળ સમાન છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • મૈનેન્દ્રએ હાથ જોડીને ઋષિને શું કહ્યું? જવાબ: "અમે સાવ જડસુ છીએ, અમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવો."
  • ઋષિના મતે મૈનેન્દ્ર અને તેના સૈનિકો બીજાના મુલકમાં શું કરતા હતા? જવાબ: ગામો બાળતા, લોકોને પીડતા અને લક્ષ્મી લૂંટતા.
  • ભગવાન મૈનેન્દ્રના દેશમાં કોના માટે વરસાદ વરસાવે છે? જવાબ: પેલી અબોલ ગાયો માટે.
  • ઐલના ગંભીર અવાજમાં શું દેખાતું હતું અને પ્રકૃતિની સ્થિતિ કેવી હતી? જવાબ: પુણ્યપ્રકોપ દેખાતો હતો. વૃક્ષો પાંદડું હલાવ્યા વિના અને ગાયો કાન માંડીને સાંભળતી હતી.
  • અંતે થાળ છૂટી પડવાથી રત્નો અને સુવર્ણનું શું થયું? જવાબ: તે ચારે બાજુ ધૂળમાં રોળાયાં.
LO 7.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.

Post a Comment

0 Comments