Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન | એકમ 11 ભૂમિ સ્વરૂપો | Interactive Quiz | LO Based Result & Certificate

એકમ ૧૧ : ભૂમિસ્વરૂપો - સંપૂર્ણ પાઠ સમજૂતી

૧. ભૂમિસ્વરૂપોનો પરિચય

પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનનાં સ્વરૂપો રચે છે અને બદલે છે. પૃથ્વીસપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને 'ભૂમિસ્વરૂપ' કહેવામાં આવે છે. પૃથ્વી પર મુખ્ય ત્રણ પ્રકારના ભૂમિસ્વરૂપો જોવા મળે છે: પર્વતો, ઉચ્ચપ્રદેશો અને મેદાનો.

૨. પર્વત (Mountain)

સમુદ્રસપાટીથી લગભગ ૯૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને સાંકડા શિખરો ધરાવતા ભાગને પર્વત કહે છે. નિર્માણ ક્રિયાના આધારે તેના ચાર પ્રકારો છે:

૧. ગેડ પર્વત: સમુદ્ર કે જળાશયોના તળિયે નિક્ષેપ પર બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે વળાંક પડે તેને ગેડ પર્વત કહે છે. દા.ત. હિમાલય, આલ્પ્સ, રોકીઝ.

૨. ખંડ પર્વત: ભૂગર્ભીય બળોને કારણે બે સ્તર વચ્ચેનો ભૂમિભાગ દબાઈ જાય અથવા નીચે બેસી જાય ત્યારે આસપાસનો ઊંચો ભાગ ખંડ પર્વત કહેવાય. દા.ત. વિંધ્ય, સાતપુડા.

૩. જ્વાળામુખી પર્વત: જ્વાળામુખી ફાટતી વખતે બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા જે પર્વત બને તેને જ્વાળામુખી પર્વત કહે છે. દા.ત. ગિરનાર, પાવાગઢ, ફુજિયામા.

૪. અવશિષ્ટ પર્વત: કુદરતી બળોના ઘસારણ સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી જે પર્વત બને તેને અવશિષ્ટ પર્વત કહે છે. દા.ત. અરવલ્લી, પારસનાથ.

પર્વતોનું મહત્વ: પર્વતો દેશની સરહદ પર કુદરતી દીવાલ સમાન છે, નદીઓના ઉદગમ સ્થાન છે અને ખનિજ સંપત્તિ તથા જંગલ સંપત્તિના ભંડાર છે.

૩. ઉચ્ચપ્રદેશ (Plateau)

સમુદ્રસપાટીથી આશરે ૧૮૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ઉપરથી મેજ જેવા સપાટ ભાગને ઉચ્ચપ્રદેશ કહે છે.

૧. આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ: ચારે બાજુથી ઉંચી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભાગ. દા.ત. તિબેટ અને બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ.

૨. પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ: પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો ભાગ. દા.ત. પેન્ટાગોનિયા અને માળવાનો ઉચ્ચપ્રદેશ.

૩. ખંડીય ઉચ્ચપ્રદેશ: પૃથ્વીના પેટાળમાં થતા હલનચલનથી ઉંચકાયેલ વિશાળ ભૂમિભાગ. દા.ત. દક્ષિણ ભારતનો અને એરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ.

૪. મેદાન (Plain)

સમુદ્રસપાટીથી ૧૮૦ મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભૂમિભાગને મેદાન કહે છે. પૃથ્વી સપાટીનો આશરે ૫૫% ભાગ મેદાનો ધરાવે છે.

૧. કિનારાના મેદાન: સમુદ્ર કિનારાના ભૂમિભાગ ઉંચકાતા જે મેદાન બને તેને કિનારાના મેદાન કહે છે.

૨. ઘસારણના મેદાન: પર્વતો અને ઉચ્ચપ્રદેશો ઘસાઈને સમતલ બને તેને ઘસારણના મેદાન કહે છે.

૩. નિક્ષેપણના મેદાન: નદી, પવન કે હિમનદી દ્વારા ઘસડી લાવેલ કાંપના પથરાવથી બનેલા મેદાન. દા.ત. ગંગા-બ્રહ્મપુત્રાનું મેદાન.

૫. અન્ય ભૌગોલિક સ્વરૂપો અને સંજ્ઞાઓ

અખાત (Gulf): ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ જળ વિસ્તાર. દા.ત. ખંભાતનો અખાત.

ભૂશિર (Cape): ભૂમિનો લંબાતો છેડો જે સમુદ્રમાં જાય છે. દા.ત. કન્યાકુમારી.

ટાપુ (Island): ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગ. દા.ત. લક્ષદ્વીપ.

દ્વીપકલ્પ (Peninsula): જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે. દા.ત. દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર.

સંયોગીભૂમિ (Isthmus): બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગીભૂમિ કહે છે. દા.ત. પનામા.

સામુદ્રધુનિ (Strait): બે મોટા જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુનિ કહે છે. દા.ત. પાલ્કની સામુદ્રધુનિ.

સ્વાધ્યાય સોલ્યુશન

૧. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(૧) ભૂમિસ્વરૂપ કોને કહેવાય?
ઉત્તર: પૃથ્વીસપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે.

(૨) પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?
ઉત્તર: સમુદ્રસપાટીથી આશરે ૯૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને સાંકડા શિખરો ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે. તેના મુખ્ય ચાર પ્રકાર છે: ૧. ગેડ પર્વત, ૨. ખંડ પર્વત, ૩. જ્વાળામુખી પર્વત, ૪. અવશિષ્ટ પર્વત.

(૩) ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.
ઉત્તર: ઉચ્ચપ્રદેશ સમુદ્રસપાટીથી આશરે ૧૮૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે અને ઉપરથી મેજ જેવો સપાટ હોય છે, જ્યારે મેદાન ૧૮૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે અને તે સમતલ જમીન ભાગ છે.
૨. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો :
(૧) ભારતનો સાતપુડા ખંડ પ્રકારનો પર્વત છે.
(૨) ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહે છે.
(૩) સરેરાશ સમુદ્રસપાટીથી આશરે ૧૮૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ ભૂમિભાગને મેદાન કહે છે.
(૪) હુઆંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે.
૩. મને ઓળખી કાઢો :
(૧) હું પૃથ્વી પર કરચલીઓના વળાંક દ્વારા બનેલો પર્વત છું. ➡️ ગેડ પર્વત
(૨) હું ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલો ઉચ્ચપ્રદેશ છું. ➡️ આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ
(૩) હું જ્વાળામુખીના પદાર્થોના શંકુ આકારના જમાવથી બનેલો પર્વત છું. ➡️ જ્વાળામુખી પર્વત
(૪) મારી ત્રણ બાજુ પાણી અને એક બાજુ જમીન છે. ➡️ દ્વીપકલ્પ
૪. ટૂંક નોંધ લખો :
(૧) પર્વતોનું મહત્વ: પર્વતો દેશની કુદરતી રક્ષક દીવાલ છે, નદીઓના સ્ત્રોત છે અને પ્રવાસન સ્થળો તરીકે વિકસે છે. પર્વતોના જંગલો અને ખનીજો આર્થિક વિકાસમાં મદદ કરે છે.

(૨) અવશિષ્ટ પર્વત: હજારો વર્ષોના ઘસારણ બળો સામે ટકી રહેલા કઠણ ખડકોમાંથી આ પર્વતો બને છે. અરવલ્લી અને પારસનાથ ભારતના જાણીતા અવશિષ્ટ પર્વતો છે.

(૩) મેદાનોનું મહત્વ: મેદાનો ખેતી અને ઉદ્યોગો માટે અનુકૂળ છે. અહીં પરિવહન માર્ગો સરળતાથી બની શકે છે. વિશ્વના મોટાભાગના શહેરો મેદાનોમાં આવેલા છે કારણ કે ત્યાં જીવન નિર્વાહની સગવડ વધુ હોય છે.

--- અહીં એકમ ૧૧ "ભૂમિસ્વરૂપો" નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ---

ભૂમિ સ્વરૂપો - ક્વિઝ

ભૂમિ સ્વરૂપો (Landforms)

ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | એકમ 11 | Exam Guru

નમસ્તે વિદ્યાર્થી મિત્રો! 🙏
આ ક્વિઝમાં આપણે 'પર્વતો, ઉચ્ચપ્રદેશો અને મેદાનો' વિશે જાણીશું. ક્વિઝ શરૂ કરતા પહેલા, વિષયવસ્તુની સમજ માટે નીચે આપેલો વિડિયો ચોક્કસ જુઓ. વિડિયો જોયા બાદ જ ક્વિઝ શરૂ થશે.

⏳ કૃપા કરી વિડીયો જુઓ... (ક્વિઝ બટન થોડી વારમાં ખુલશે)
પ્રશ્ન: 1/25 સમય: 60s

પરિણામ પત્રક

0 / 25

અધ્યયન નિષ્પત્તિ (LO) મુજબ વિશ્લેષણ:

અધ્યયન નિષ્પત્તિ (LO) વિષય વસ્તુ સ્થિતિ
પરિણામ સંજ્ઞા સૂચિ:
✅ = ઉત્તમ (70% થી વધુ ગુણ)
❓ = મધ્યમ (50% - 70% ગુણ)
❌ = વધુ મહેનત જરૂરી (50% થી ઓછા ગુણ)

Post a Comment

0 Comments