Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 ગુજરાતી પાઠ 2 'સાઇકલ-સવારીની ખાટીમીઠી' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન

પાઠ આયોજન: સાઇકલ-સવારીની ખાટીમીઠી

ધોરણ ૮ : ગુજરાતી

પાઠ ૨: સાઇકલ-સવારીની ખાટીમીઠી (સ્મરણકથા)

પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru

🎯 પાઠ આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (LOs)
G8-2.1.1 ગદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે. G8-1.5.6 ગદ્યખંડનું સ્પષ્ટ વાચિકમ્ કરે છે. G8-1.3.2 પોતાના કે અન્યના સામાજિક અનુભવ જણાવે છે/સાંભળે છે. G8-3.1.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે. G8-2.1.5 સાહિત્યસ્વરૂપો વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
✍️ લેખક પરિચય અને સાહિત્ય સ્વરૂપ

લેખકનું નામ: મનસુખ સલ્લા
જન્મસ્થળ: અમરેલી જિલ્લાનું નેસડી ગામ
સાહિત્ય સ્વરૂપ: સ્મરણકથા (Memoir)
જાણીતાં પુસ્તકો: “હૈયે પગલાં તાજાં”, “માણસાઈની કેળવણી”, ‘અનુભવની એરણ પર'
કેન્દ્રીય વિચાર: આ એક સ્મરણકથા છે જેમાં ૫૦ વર્ષ પહેલાં સાઇકલની કેવી નવાઈ હતી અને બાળકોને તેને ચલાવવાનું કેવું ઘેલું હતું તેના રમૂજી અને રસપ્રદ પ્રસંગોનું વર્ણન છે.

📖 પાઠ પઠન, સમજૂતી અને માઇક્રો-ટીચિંગ

(દરેક ફકરો સ્માર્ટ બોર્ડ પર ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો)

વિભાગ ૧: સાઇકલની નવાઈ અને પહેલો અનુભવ
આજની ઊગતી પેઢીને ટુ-વ્હીલર ચલાવવાની નવાઈ નથી. પરંતુ પંચાવન વર્ષ પહેલાં અમને સાઈકલની નવાઈ હતી. બહારગામથી કોઈ સાઇકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા. સાઈકલ ઉપર બેસવાનું મારું પહેલ વહેલું સ્મરણ મારા કેશુમામા ચલાળાથી સાઇકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે. બજારથી નદી, નદીના પાળેથી ખળાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો.
શિક્ષક દ્વારા સમજૂતી: આ વિભાગમાં લેખક પંચાવન વર્ષ પહેલાના સમયની વાત કરે છે જ્યારે ગામડામાં કોઈ સાઇકલ લઈને આવે તો લોકો તેને આશ્ચર્યથી જોતા. લેખકને પહેલી વાર તેમના કેશુમામા સાઇકલના આગળના દાંડિયા પર બેસાડીને આખું ગામ ફેરવે છે. આ નાનકડી સવારી લેખક માટે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલી મોટી અને આનંદદાયક હતી.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. લેખકને કેટલા વર્ષ પહેલાં સાઇકલની નવાઈ હતી?
    પંચાવન (૫૫) વર્ષ પહેલાં.
  • ૨. કેશુમામા ક્યાંથી સાઇકલ લઈને આવ્યા હતા?
    કેશુમામા 'ચલાળા' થી સાઇકલ લઈને આવ્યા હતા.
  • ૩. લેખકને સાઇકલ પર ક્યાં બેસાડવામાં આવ્યા હતા?
    લેખકને સાઇકલના આગળના દાંડિયા પર બેસાડવામાં આવ્યા હતા.
  • ૪. આખું ગામ ફર્યા પછી લેખકને કેવો આનંદ થયો?
    જાણે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો મોટો આનંદ થયો.
  • ૫. આજની ઊગતી પેઢીને શેની નવાઈ નથી?
    આજની પેઢીને 'ટુ-વ્હીલર' ચલાવવાની નવાઈ નથી.
વિભાગ ૨: દાંડિયાની સવારીનો ગર્વ અને ઉત્સાહ
લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું, છતાં દુઃખ કળાતું નહોતું. કારણ કે એક અદ્ભુત તક મળી હતી. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાઇકલ પર બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. 'એકો ન રમતે” એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું, પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ, એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખાયે રસ્તે ઘંટડી વગાડયા કરી હતી. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું! સાઈકલ રમરમાટી કરતી દોડતી હતી. નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભુલાયું નહોતું. એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાઈકલના દાંડાને, ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પૅડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાઇકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી.
શિક્ષક દ્વારા સમજૂતી: લોખંડના દાંડિયા પર બેસવું શારીરિક રીતે પીડાદાયક હતું, પણ સાઇકલ પર બેસવાનો ગર્વ એટલો હતો કે દુઃખ ભુલાઈ ગયું. લેખક પોતાના મિત્રો (સમવયસ્કો) માં પોતાને ભાગ્યશાળી માનતા હતા. રસ્તામાં કોઈ ન હોવા છતાં તેઓ સતત ઘંટડી વગાડતા જેથી આખું ગામ જુએ કે તેઓ સાઇકલ પર બેઠા છે. ઢાળ ઉતરતી વખતે તેમને પેટમાં ફાળ પડી (શેરડા પડવા) પણ ઘંટડી વગાડવાનું ચાલુ રાખ્યું. મામાની સાઇકલને વારંવાર અડવી, પેડલ અવળા ફેરવવા અને મિત્રો સામે આ વાતની અતિશયોક્તિ કરવી એ બાળસહજ ઉત્સાહ દર્શાવે છે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ ન હોવા છતાં લેખકને દુઃખ કેમ નહોતું લાગતું?
    કારણ કે તેમને સાઇકલ પર બેસીને ગામ ફરવાની એક અદ્ભુત તક મળી હતી અને તેનો તેમને ગર્વ હતો.
  • ૨. રસ્તામાં કોઈ આડું ન હોવા છતાં લેખક શા માટે ઘંટડી વગાડતા હતા?
    પોતાને મળેલા મહાભાગ્ય (સાઇકલ સવારી) ની સૌને ખબર પડે અને લોકોનું ધ્યાન ખેંચાય તે માટે.
  • ૩. રૂઢિપ્રયોગનો અર્થ આપો: 'પેટમાં શેરડા પડવા'
    અચાનક ડર લાગવો અથવા ફાળ પડવી. (ઢાળ પર સાઇકલ ઝડપથી ઉતરતી વખતે લેખકને આવું થયું હતું).
  • ૪. સ્ટેન્ડ પર ઊભેલી સાઇકલ સાથે લેખકે શું કર્યું?
    તેમણે સાઇકલના દાંડાને અને ઘંટડીને અનેકવાર અડી લીધું અને પૅડલને અવળો આંટો ફેરવ્યો.
  • ૫. લેખકે દિવસો સુધી ભાઈબંધો આગળ શું કર્યું?
    પોતાનો સાઇકલ પર બેસવાનો આનંદ વધારી-વધારીને (અતિશયોક્તિ કરીને) મિત્રો આગળ વાગોળ્યો.
વિભાગ ૩: વહોરાજીનો સાઇકલ સ્ટોર અને ભાડે સાઇકલ
અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખૂલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાઈકલ સ્ટૉર ખોલ્યો. એમાં એક સાથે દસ સાઈકલ મુકાઈ. આટલી બધી સાઇકલ ! એમાંય ગમતી મીઠાઈ જેવી બે નાની સાઈકલ હતી. એકેય સાઈકલ નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઊતરી ગયેલી આ સાઇકલો હતી. દરેક સાઈકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ. એટલે ચલાવતી વખતે વાતવાતમાં એને વાંકું પડે. મોટી સાઈકલો ભાડે જાય, પણ એક સાથે નહિ. નાની સાઈકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે. કલાકનો એક આનો ભાડું હતું. એય અસાધારણ લાગતું. એટલે બે-ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા (અર્ધો આનો) ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ. આગળના વારાવાળાનો અર્ધો કલાક અમને બહુ લાંબો લાગતો. જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ! ભાઈબંધો સાઇકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાનદાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલદી આગળ વધે તેવું કંઈક કરે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. અમે બે-ત્રણ જણે મળીને ભાગમાં નાની સાઇકલ ભાડે લીધી હોય. દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. આમ તો બધાને સાથે જ, સાઈકલને ઝાલ્યાનો, સાથે દોડવાનો સંતોષ મળે. નાની ઘંટડી તો સતત વાગતી હોય, સાઈકલ ક્યારેક દગો દઈ દે. ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. એય સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું. કારણ કે સાઇકલમાં કિચૂડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય. તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો!
શિક્ષક દ્વારા સમજૂતી: ગામમાં સાઇકલ ભાડે મળતી દુકાન ખુલવી એ બાળકો માટે જાદુઈ દુનિયા (આશ્ચર્યલોક) ખુલવા સમાન હતું. સાઇકલો જૂની અને તૂટેલી હતી પણ બાળકોને તે ખૂબ વહાલી લાગતી. નાની સાઇકલનું ભાડું એક કલાકનો ૧ આનો (૬ પૈસા) હતો. બાળકો ભેગા મળીને પૈસા કાઢતા અને વારા કાઢતા. મિત્ર સાઇકલ ચલાવતો હોય ત્યારે પોતાનો વારો જલદી આવે તે માટે બાળકો સમય જલદી વીતે તેવી ભગવાનને પ્રાર્થના કરતા. સાઇકલ અવાજ કરતી હોય છતાં ઘંટડી વગાડવાનો અને સાથે દોડવાનો તેમનો આનંદ અનેરો હતો.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. ગામમાં સાઇકલ સ્ટોર કોણે ખોલ્યો હતો?
    સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાઇકલ સ્ટોર ખોલ્યો હતો.
  • ૨. સાઇકલનું કલાકનું ભાડું કેટલું હતું?
    સાઇકલનું ભાડું કલાકનો 'એક આનો' હતું.
  • ૩. બાળકો ભગવાન (હનુમાનદાદા) ને મનોમન શી ભલામણ કરતા?
    પોતાનો વારો જલદી આવે તે માટે ઘડિયાળનો કાંટો જલદી આગળ વધે તેવી ભલામણ કરતા.
  • ૪. 'ભૂમિશયન કરાવી દે' એટલે શું?
    એટલે કે સાઇકલ પરથી જમીન પર પછાડી દે કે પાડી દે.
  • ૫. રસ્તામાં ઘંટડી ન વગાડીએ તો પણ ચાલે તેમ કેમ હતું?
    કારણ કે જૂની સાઇકલમાંથી 'કિચૂડ કિચૂડ' એટલો મોટો અવાજ આવતો હતો કે લોકો અવાજ સાંભળીને જ રસ્તામાંથી ખસી જતા.
વિભાગ ૪: સાઇકલ શીખવાના પરાક્રમો અને અકસ્માતો
સાઇકલ ચલાવતાં બરાબર આવડ્યું ત્યાં સુધીનાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે, સામે જો – હૅન્ડલ ઉપર નહિ. ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે ! પૅડલ મારવાનું ચાલુ રાખ! પણ એનો મેળ રહે નહિ. એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે, 'તારવ! તારવ!’ ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાઇકલ ચડી જાય. મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે, પછી જે થવાનું હોય તે થાય જ, બીજી બાજુ કૂતરું ઊંહકારો કરતું ભાગે, કાં તો સામે ઘૂરકે. કપડાં ધૂળ ધૂળ થઈ ગયાં હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે. એમ થાય કે કોઈ ન જુએ તેવી ખળાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો, પણ ચોરે બેઠેલા ફિલમ ઉતારે તે કાઠું લાગતું. મોં રોવા જેવું થઈ જાય, તોય કંઈ બન્યું નથી એમ સાઈકલને દોરીને આઘા ચાલ્યા જવાનું. પછી ત્રણે મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે. આખરે સાઇકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાઈકલ શીખતાં હાથ-પગ ન છોલાયા હોય?
શિક્ષક દ્વારા સમજૂતી: શીખતી વખતે બેલેન્સ રાખવું અઘરું હોય છે. સામે જોવાને બદલે નીચે જોવાય જાય, અથવા પેડલ મારવાનું ભૂલાઈ જાય. રસ્તામાં કૂતરું બેઠું હોય અને તેને બચાવવા જતા સીધી સાઇકલ કૂતરા પર જ ચડી જાય એવા રમૂજી પ્રસંગો બને છે. બજાર વચ્ચે પડવાથી શરમ (હાણ) આવે છે, લોકો મજાક ઉડાવે (ફિલ્મ ઉતારે) તે ગમતું નથી, છતાં જાણે કઈ જ નથી થયું તેવો દેખાવ કરીને બાળકો સાઇકલ દોરીને આગળ વધે છે. અને પડી જવા માટે એકબીજાનો વાંક કાઢે છે. સાઇકલ શીખીએ એટલે પડાય જ એ સ્વાભાવિક છે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. સાઇકલ શીખતી વખતે કઈ વસ્તુઓનો મેળ બેસતો ન હતો?
    સામે જોવું, હૅન્ડલ સીધું રાખવું અને પેડલ મારવાનું ચાલુ રાખવું - આ ત્રણેયનો એકસાથે મેળ બેસતો ન હતો.
  • ૨. મિત્રો 'તારવ! તારવ!' એવી બૂમ ક્યારે પાડતા?
    રસ્તામાં કૂતરું બેઠું હોય ત્યારે સાઇકલને તેનાથી બચાવવા માટે મિત્રો આવી બૂમ પાડતા.
  • ૩. કૂતરા પર સાઇકલ ચડવા જાય ત્યારે મિત્રો શું કરતા?
    મિત્રો કૂતરું કરડવાની બીકે સાઇકલની સીટ છોડીને ભાગી જતા (કૂદી જતા).
  • ૪. બજાર વચ્ચે પડી જવાય ત્યારે લેખકને કઈ બાબત વધુ 'કાઠી' (ખરાબ) લાગતી?
    ગામના ચોરે બેઠેલા લોકો પડી જવાની મજાક ઉડાવે (ફિલ્મ ઉતારે) તે બાબત વધુ ખરાબ લાગતી.
  • ૫. પડી ગયા પછી મિત્રો એકબીજા સાથે શું સાબિત કરવાનો પ્રયાસ કરતા?
    પડી જવામાં પોતાની નહિ પરંતુ બીજાની જ ભૂલ હતી તેવું સાબિત કરવાનો પ્રયાસ કરતા.
વિભાગ ૫: ખખડધજ સાઇકલો અને પંચરની સમસ્યા
વળી અમારું નિશાન-મિત્રો સાઇકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાઇકલ ચાલે, પડીએ નહિ તે હતું. તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાઇકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાઈકલ ચલાવવાનો લહાવો લીધો છે. તેના અનુભવ પણ ભાતીગળ છે. ગામમાં આવેલી સાઇકલો ખખડધજ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. ચેઇન ઊતરી જવી. એકાદ ફલાંગ સાઇકલ ચાલે અને ચેઇન ન ઊતરે એવું ભાગ્યે જ બને. સાઇકલ ચલાવવી હોય એટલી ચાલે, પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. એથી આંગળાં અને કપડાં ગ્રીસવાળાં થાય, પણ એની અમને પરવા નહોતી. પરંતુ બીજો ત્રાસ ભારે હતો. ગામમાં રસ્તા ધૂળિયા. ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય. ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાઈકલ બાપડી થઈ જાય. તેને દોરીને અમે સાઇકલ સ્ટોર્સ સુધી પહોંચાડીએ. સાઇકલવાળો હુકમ કરે એટલે તેનો જંબૂરિયો સાઇકલ આડી પાડી, ટ્યૂબ-ટાયર ખોલે. જોઈએ તો ટ્યૂબમાં અગાઉથી જ પંચર રિપેરિંગનાં બાર-પંદર લેબલ લાગેલાં હોય તેમાં અમારાથી એકનો વધારો થાય. જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું. ટ્યૂબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાઇકલવાળો ટ્યૂબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયાં બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાડીખાય એ બડબડિયાં જોવાની બહુ મજા પડતી. સાઇકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે, જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે, મને હતું જ કે એકથી વધારે પંચર હશે ડબલ પંચર અને ડબલ દંડ, જો કે અમારો દંડ એ સાઇકલ સ્ટૉર્સ વાળાનો આનંદ બનતો.
શિક્ષક દ્વારા સમજૂતી: બાળકોનું એક જ સપનું હતું કે મિત્રનો ટેકો ન હોય તો પણ એકલા સાઇકલ ચલાવતા આવડી જાય. નેસડી ગામમાં આવેલી ભાડાની સાઇકલો સાવ ખખડધજ હતી. વારંવાર ચેઈન ઉતરી જવી અને હાથ કાળા થવા એ સામાન્ય બાબત હતી. ગામડાના ધૂળિયા રસ્તામાં છુપાયેલા કાંટા ટાયરમાં ઘૂસી જતા અને પંચર પડતું. પંચર પડેલી સાઇકલ દુકાને દોરી જવી પડતી. દુકાનદાર પાણીમાં ટ્યુબ બોળીને પરપોટા (બડબડિયા) જોઈ પંચર શોધતો. જો બે પંચર નીકળે તો ડબલ પૈસા આપવા પડતા જે બાળકો માટે મોટો દંડ હતો પણ દુકાનદાર માટે આનંદ.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. મિત્રોનું મુખ્ય નિશાન (ધ્યેય) શું હતું?
    મિત્રો સાઇકલ પકડવાનું છોડી દે છતાં પોતે એકલા સાઇકલ ચલાવી શકે અને પડે નહિ તે તેમનું મુખ્ય નિશાન હતું.
  • ૨. સાવરકુંડલાની સાઇકલો નેસડી ગામમાં કેમ લાવવામાં આવી હતી?
    સાઇકલો સાવ ખખડધજ અને વપરાઈ ગયેલી હતી, જે શહેરમાં ચાલે તેમ નહોતી, તેથી ગામડામાં લાવવામાં આવી હતી.
  • ૩. સાઇકલ ચલાવતી વખતે કઈ ઘટના સર્વસામાન્ય હતી?
    વારંવાર સાઇકલની ચેઇન ઊતરી જવી તે સર્વસામાન્ય ઘટના હતી.
  • ૪. પંચર શોધવા માટે સાઇકલવાળો શું કરતો?
    સાઇકલવાળો ટ્યુબમાં હવા ભરીને તેને તગારાના પાણીમાં બોળતો, જ્યાંથી હવા નીકળે ત્યાં 'બડબડિયાં' થતા તે જોઈને પંચર શોધતો.
  • ૫. કાંટો શોધ્યા પછી સાઇકલવાળાનો સંતોષ કોના જેવો હતો?
    જાણે કોઈ પોલીસે ગુનેગારને પકડી પાડ્યો હોય તેવો સંતોષ સાઇકલવાળાના ચહેરા પર દેખાતો.
વિભાગ ૬: ધૂળિયા રસ્તા, ભેંસ અને ઘરગથ્થુ ઉપચાર
ગામડાના રસ્તા કાચા, ખાડાખડિયાવાળા. મારો સાઈકલ-ઉત્સાહ કશાને ગણકારે નહિ, પણ સાઇકલ તો બધું અનુભવે. ધૂળના ધભ્ભામાં પૈડું એવું ડૂબે કે હૅન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશ હોય, પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાઈકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત્ પ્રણામ કર. ને કરવાય પડે ! તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વા૨વા છતાં એ તરફ જ ખેંચાય, પથ્થર ઉપર થઈને નીચે પછડાય. પછી બે-ત્રણ ઘટના બને. કાંતો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે, કાં આડું થઈને સાઇકલને અટકાવી દે. કાં પૈડું એવું વાંકું થાય કે સાઇકલ અને સવાર બેય બિચારાં બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય. આસપાસ ઊભેલા સંભળાવેય ખરા, જોઈને ચલાવતો હો તો ! હા, ભાઈ, હા! જોઈને જ ચલાવી હતી, પણ પૈડું માને તો ને! સાઇકલની આડોડાઈ પણ જેવી તેવી નહિ. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાય કે આ જરાક તારવી લીધી કે પત્યું, પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ? ભેંસને અક્કલ હોય તો ને? એ તો મારી બાજુ જ વળે. તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય. એટલે સાઇકલ વધુને વધુ ભીંત બાજુ લઉં. પછી તો ભીંત જ રહે સાઈકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય, હાથ-પગ છોલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો, ભેંસથી તો બચ્યા. પડવા કરતાંય વધુ ચિંતા હાથ-પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ. એટલે ઘરગથ્થું ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથીય સેપ્ટિક થાય છે. હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતાં-હલાવતાં સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાઈકલ ચલાવવાની.
શિક્ષક દ્વારા સમજૂતી: ગામડાના કાચા રસ્તા અને ધૂળને કારણે બેલેન્સ ખોરવાય છે. રસ્તાનો ખાડો સાઇકલ સવારને જમીન પર પછાડીને જાણે 'પૃથ્વી માતાને દંડવત્ પ્રણામ' કરાવતો હોય તેવું રમુજી વર્ણન છે. સામેથી ભેંસ આવે ત્યારે તેને બચાવવા જતા સાઇકલ દીવાલ (ભીંત) સાથે અથડાય છે. હાથ-પગ છોલાય અને લોહી નીકળે તો ઘરે ખીજાય તેવી બીક લાગે. તે સમયે દવાખાને જવાને બદલે બાળકો રસ્તાની ઝીણી ધૂળ ઘા પર લગાવીને લોહી બંધ કરી દેતા. આ તેમનો અજ્ઞાનતા ભર્યો પણ નિર્દોષ ઘરગથ્થુ ઉપચાર હતો.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. ખાડામાં પડી જવાની ઘટનાને લેખક કયા રમૂજી શબ્દોમાં વર્ણવે છે?
    જાણે પૃથ્વી માતા છે માટે તેને દંડવત્ પ્રણામ કરવા પડ્યા હોય તેમ વર્ણવે છે.
  • ૨. રસ્તા વચ્ચે પડેલા પથ્થરને લેખક કોની સાથે સરખાવે છે?
    પથ્થરને 'લોહચુંબક' સાથે સરખાવે છે, કારણ કે બચાવવા છતાં સાઇકલનું પૈડું તેની તરફ જ ખેંચાય છે.
  • ૩. સામેથી ભેંસ આવે ત્યારે સાઇકલ સવારની શી દશા થાય છે?
    ભેંસ સાઇકલ તરફ જ આવે છે, તેથી તેને બચાવવા જતા સાઇકલ ભીંત સાથે ભટકાઈ જાય છે.
  • ૪. પડી જવાથી હાથ-પગ છોલાય ત્યારે લેખકને શેની ચિંતા વધારે થાય છે?
    ઘરે ખબર પડે તો વડીલોનો ઠપકો મળશે તેની ચિંતા વધારે થાય છે.
  • ૫. લોહી બંધ કરવા માટે બાળકો કયો ઘરગથ્થુ ઉપચાર કરતા?
    રસ્તાની ઝીણી, કોરી ધૂળ લઈને વાગેલા ઘા ઉપર લગાવી દેતા જેથી લોહી બંધ થઈ જાય.
વિભાગ ૭: ખરી મજા અને બાળપણની યાદો
સાઈકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પુરપાટ દોડાવી શકાય, એક હાથ હૅન્ડલ પરથી લઈએ છતાં સાઈકલ ચાલતી રહે, જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. જો કે ખરું પરાક્રમ બેય હાથ હૅન્ડલ પરથી લઈ લીધા પછી સાઇકલ ચાલતી રહે તે ગણાતું. પરંતુ નાની સાઇકલમાં શક્ય નહોતું બન્યું. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. જરાક મોટી સાઇકલ ફાવી ગઈ. એકંદર હેઠા પડવાનું અટકી ગયું. પણ એ તો ઠીક, પાછળ કૅરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહિ ત્યારે થાય કે હવે ખરા ! એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસનારની તૈયારી હોય. જો કે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે, હું કૅરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહિ લઈ લેવાનો, તો જ બેસું. આ શરત પાળવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહિ. સાઇકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાળી શકાતી. જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું. બીજાનું ધ્યાન ખેંચાવું જોઈએને! સાઇકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢ પણે છપાતો હશે. એટલે તો ભુલાતો નહિ હોય. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. સાઈકલ પર પ્રથમવાર બેસવું, સાઇકલ પર હાથ ફેરવવો, સાઈકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન. હાથ-પગ છોલાવા ને આખરે સાઈકલ ઉપર કાબૂ મેળવવો – આ બધું જ અણુ-અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણકે એ પ્રથમ અનુભવ હતો. એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને ?
શિક્ષક દ્વારા સમજૂતી: અહીં લેખક સાઇકલ ચલાવવામાં સંપૂર્ણ નિપુણતા આવ્યા પછીના આનંદની વાત કરે છે. હાથ છોડીને સાઇકલ ચલાવવી એ તે સમયે મોટું પરાક્રમ ગણાતું. પાછળ મિત્રને બેસાડીને ક્યાંય પડ્યા વિના સાઇકલ ચલાવવી એ જીતનો અનુભવ કરાવતી. મિત્ર શરત મુકતો કે તારે બંને હાથ હૅન્ડલ પર જ રાખવાના. આજે ભલે સાઇકલ ચલાવવી એ સામાન્ય વાત લાગે, પણ તે જમાનામાં અને તે ઉંમરે આ પહેલો અનુભવ અદ્ભુત હતો. આ બધી નાની નાની ઘટનાઓ જ બાળપણને યાદગાર અને મહિમામય બનાવે છે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. સાઇકલ ચલાવવાનો ખરો આનંદ શેમાં હતો?
    સાઇકલ પુરપાટ દોડાવી શકાય, એક હાથ છોડીને ચલાવી શકાય અને જોનારા પર વિજયની નજર નાખી શકાય તેમાં ખરો આનંદ હતો.
  • ૨. બાળકોની નજરમાં ખરું 'પરાક્રમ' કયું ગણાતું?
    બંને હાથ હૅન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાઇકલ સીધી ચાલતી રહે તેને ખરું પરાક્રમ ગણવામાં આવતું.
  • ૩. પાછળ કૅરિયર પર બેસનારો મિત્ર શી શરત મુકતો?
    મિત્ર શરત મુકતો કે તારે હૅન્ડલ પરથી હાથ લેવાના નહિ, તો જ હું પાછળ બેસીશ.
  • ૪. લેખક કારણ વગર શા માટે ઘંટડી વગાડતા રહેતા?
    પોતે સારી રીતે સાઇકલ ચલાવી રહ્યા છે તે જોવા માટે લોકોનું ધ્યાન ખેંચાય તે હેતુથી ઘંટડી વગાડતા રહેતા.
  • ૫. લેખક મુજબ બાળપણને મહિમામય કોણ બનાવે છે?
    જીવનના કોઈપણ કામના પહેલા અનુભવની અનન્યતા (રોમાંચ) જ બાળપણને મહિમામય અને યાદગાર બનાવે છે.

Post a Comment

0 Comments